જામનગર: જોડિયાના અંબાલામાં જુગારના અખાડામાંથી લાખોની રોકડ સાથે ૧૭ ઝડપાયા
વાડીની ઓરડીમાં એલસીબીનો દરોડો : રોકડ, ૧૮ મોબાઇલ, પ બાઇક, ૩ કાર મળી ૩૧.૬૪ લાખનો મુદામાલ કબ્જે : ગામમાં ચકચાર
જામનગર જીલ્લાના જોડિયાના અંબાલા સીમમાં વાડીની ઓરડીમાં જુગારનો અખાડો ધમધમતો હોવાની બાતમીના આધારે એલસીબીની ટુકડીએ દરોડો પાડીને ૧૭ પત્તાપ્રેમીઓને ૩ લાખની રોકડ અને વાહન, મોબાઇલ મળી કુલ ૩૧.૬૪ લાખના મુદામાલ સાથે પકડી લેતા ભારે ચકચાર મચી જવા પામી છે.
જોડિયાના અંબાલા ગામમાં અનીભા જાડેજાની વાડીની ઓરડીમાં નાલ ઉઘરાવીને બહારથી માણસો બોલાવીને ગંજીપતા જુગારનો અખાડો ચાલે છે એવી ચોકકસ બાતમીના આધારે જામનગર એલસીબીની ટુકડીએ ગત રાત્રીના દરોડાની કાર્યવાહી કરી હતી, દરોડા દરમ્યાન ૧૭ શખ્સોને દબોચી લેવામાં આવતા ભારે ચકચાર મચી જવા પામી છે.
એલસીબીના પીઆઇ ચૌધરી, પીએસઆઇ ભાટીયાની સુચના અનુસાર સ્ટાફ દ્વારા દરોડો પાડીને ગંજીપતા વડે માંગપાનાનો હારજીતનો જુગાર રમતા અંબાલા ગામ દરબાર શેરીમાં રહેતા અનિરુઘ્ધસિંહ ઉર્ફે અનિભા દેવુભા જાડેજા, મોરબીના રવાપરના સરદાર પટેલ સોસાયટીમાં રહેતા ખેતી કરતા પારસ ઉર્ફે ભોલુ મુકેશ જારીયા, અંબાલાના રાજેશ માણંદ ગરચર, દુધઇ પ્લોટ વિસ્તારના ભાવેશ નારણ ડાંગર, મોરબીના ગ્રીનચોક દફતર શેરીના વિશાલ રાજેશ રાજદેવ, અંબાલાના ભાવેશ માણંદ ગરચર, રવાપર ગામના મેહુલ લાખા જીલરીયા, રવાપર જુના ગામના વેપાર કરતા જયદીપ ઘનશ્યામ ભડાણીયા, રવાપરના જયદીપ મહેન્દ્ર પટેલ, અંબાલાના ભરત મેરામ ગરચર, રવાપરના સુરીયા નાનજી મિયાત્રા, દુધઇ ગામના કિશોર માધવજી ગાંગાણી, મોરબીના પંચાસર રોડ નિત્યાનંદ સોસાયટીના સુમિત વસંત ગોધાણી, હાલ નાની વાવડી મુળ મોટા દહીસરાના વિવેક વિનોદ ગોસ્વામી, મોરબી યાર્ડની સામે નવા હાઉસીંગ બોર્ડ બ્લોક ૩૪૩માં રહેતા અનિરુઘ્ધસિંહ ભુપેન્દ્રસિંહ પરમાર, આમરણના ડાયમંડનગરના વેપારી વિશાલ હસમુખ ગાંભવા અને ભિમકટા ગામના ખેતી કરતા અનિરુઘ્ધસિંહ સહદેવસિંહ જાડેજા નામના શખ્સોને દબોચી લીધા હતા.
દરોડા દરમ્યાન ૩.૦૪.૫૦૦ની રોકડ તથા ગંજીપતા, ૧૮ મોબાઇલ કિ. ૬.૬૦ લાખ, ૫ મોટરસાયકલ અને ૨૦ લાખની કિંમતની ૩ ફોરવ્હીલ કાર મળી કુલ ૩૧.૬૪ લાખનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો, દરોડાના પગલે વાડી વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા જ જોગવડ સીમમાં રેન્જની ટીમે ૧૦ જુગારીઓને ૧૫.૫૦ લાખના મુદામાલ સાથે પકડી લીધા હતા દરમ્યાનમાં એલસીબીએ જબરૂ જુગારધામ ઝડપી લીધુ છે. શ્રાવણ માસ દરમ્યાન અલગ અલગ વિસ્તારોમાં અને ગામમાં દરોડા યથાવત રહયા હતા અને મહિલાઓ સહિતના પત્તાપ્રેમીઓ ઝપટમાં આવ્યા હતા, દરમ્યાનમાં મહિનાની આખરમાં પણ જુગારીઓ ઝપટે ચડયા છે.