ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાંથી એક અત્યંત શરમજનક અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં ૧૭ વર્ષની સગીરા પર તેના જ પ્રેમી દ્વારા આચરવામાં આવેલા ક્રૂર શારીરિક અત્યાચારને કારણે તેનું કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. પેથાપુરના ૨૨ વર્ષીય આરોપી દિશાંત ઉર્ફે દીપ શર્માએ સગીરાને એક અજાણ્યા ગેસ્ટ હાઉસમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. પ્રેમીના વિકૃત અત્યાચારના કારણે સગીરાના ગુપ્ત ભાગેથી અતિશય રક્તસ્રાવ થયો હતો, જેના પરિણામે તેના આંતરડા અને કિડનીમાં ગંભીર ઇન્ફેક્શન ફેલાઈ ગયું હતું. ચાર જુદી જુદી હોસ્પિટલો બદલ્યા બાદ પણ ત્રણ દિવસ સુધી જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાધા પછી આખરે સગીરાએ દમ તોડી દીધો હતો.
ઘટનાની વિગતો અનુસાર, ગત ૬ ઓગસ્ટના રોજ સગીરા પોતાના ઘરેથી કોલેજ જવા માટે નીકળી હતી અને ત્યાંથી તેણે માસીના ઘરે જવાનું હતું. જોકે, આરોપી દિશાંત તેને પથિકાશ્રમ પાસેથી પોતાની બાઇક પર બેસાડીને એક અજાણ્યા ગેસ્ટ હાઉસમાં લઈ ગયો હતો. ગેસ્ટ હાઉસના રૂમમાં આરોપીએ સગીરા સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો. આ દરમિયાન સગીરાને અતિશય રક્તસ્રાવ શરૂ થઈ જતાં તેની હાલત કફોડી બની ગઈ હતી. સ્થિતિ અત્યંત ગંભીર બનતાં અને સગીરા બેભાન થઈ જતાં આરોપી ગભરાઈ ગયો હતો અને તેણે તાત્કાલિક પોતાના પિતા ભરતભાઈને ફોન કરીને ઘટનાની જાણ કરી હતી.
ઘટનાની ગંભીરતા સમજીને બાપ-દીકરો સગીરાને સારવાર માટે પહેલા રાંધેજા અને ત્યારબાદ પગરવ હોસ્પિટલ લઈ ગયા હતા. આશ્ચર્યજનક રીતે, હોસ્પિટલમાં ગુનો છુપાવવાના હેતુથી આરોપીના પિતાએ સગીરાને પોતાની દીકરી દર્શાવીને દાખલ કરાવી હતી. બીજી તરફ, મોડી સાંજ સુધી સગીરા પોતાની માસીના ઘરે ન પહોંચતાં તેના પરિવારજનોએ ચિંતાતુર બનીને તેની શોધખોળ શરૂ કરી હતી. આગલા દિવસે એટલે કે ૭ ઓગસ્ટના રોજ સગીરાની તબિયત વધુ લથડતાં આખરે આરોપીઓએ તેના પરિવારજનોને જાણ કરી હતી અને સગીરાના પિતા હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ આરોપી દિશાંત ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
સગીરાની સ્થિતિ અત્યંત નાજુક હોવાથી તેને તાત્કાલિક વધુ સારવાર અર્થે એડવાન્સ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી હતી. જોકે, ગુપ્ત ભાગે થયેલી ગંભીર ઇજાઓ અને આંતરડા તથા કિડનીમાં ફેલાયેલા તીવ્ર ઇન્ફેક્શનના કારણે ડોક્ટરોની તમામ કોશિશો નિષ્ફળ નિવડી હતી. ૮ ઓગસ્ટની મોડી રાત્રે સગીરાએ હોસ્પિટલના બિછાને જ અંતિમ શ્વાસ લીધા હતા. આ મામલે પેથાપુર પોલીસે આરોપી દિશાંત સામે પોક્સો (POCSO) એક્ટ તથા દુષ્કર્મ અને હત્યાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને ફરાર આરોપીને ઝડપી પાડવા માટે ચક્રગતિમાન કર્યા છે.