રાજકોટ મહાપાલિકાની ટેક્સ બ્રાન્ચ દ્વારા પ્રોફેશનલ ટેક્સની સઘન રિકવરી માટે મેગા ડ્રાઇવ યોજવામાં આવનાર છે આ માટે ૬૪,૦૦૦ નોટિસ તૈયાર કરવામાં આવી છે. બિલ્ડર્સ, ડેવલપર્સ, આર્કિટેક્ટસ, હોસ્પિટલો, ડોક્ટર્સ, સીએ, એડવોકેટ, શેર બ્રોકર્સ તેમજ અનેક મોટા વેપારીઓ અને ઉદ્યોગકારોને આગામી સપ્તાહથી ધડાધડ નોટીસોની બજવણી કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.
ટેક્સ બ્રાન્ચ દ્વારા વ્યવસાયવેરાના સંભવિત કરદાતાઓની વિગતો એકત્ર કરવામાં આવી રહી છે. આ યાદીમાં ડૉક્ટરો, વિવિધ ક્ષેત્રના વ્યવસાયિકો, મોટા વેપારીઓ, દુકાનદારો, ખાનગી સંસ્થાઓ, કંપનીઓ અને અન્ય પેઢીઓનો સમાવેશ થતો હોવાનું જાણવા મળે છે.
ચાલુ નાણાકીય વર્ષમાં મહાનગરપાલિકાને વ્યવસાયવેરા પેટે આજદિન સુધીમાં અંદાજે રૂ.૧૮ કરોડની આવક થઈ છે. જોકે, નાણાકીય વર્ષ માટે નિર્ધારિત આવકનો લક્ષ્યાંક હાંસલ કરવા માટે હજુ વધુ વસૂલાત કરવાની હોવાથી તંત્રએ હવે નોટિસ અને સ્થળ તપાસ સહિતની કાર્યવાહી શરૂ કરવાની તૈયારી કરી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર મહાનગરપાલિકા દ્વારા વ્યવસાયવેરાના દાયરામાં આવતા પરંતુ નોંધણી નહીં કરાવનાર વ્યવસાયકારોની ઓળખ કરવા અલગ-અલગ વિભાગો અને ઉપલબ્ધ ડેટાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. શહેરમાં વ્યવસાય કરતી વ્યક્તિ કે પેઢી પાસે જરૂરી નોંધણી છે કે નહીં, વેરો નિયમિત ભરવામાં આવે છે કે નહીં અને કોઈ જૂની બાકીદારી છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવશે.
વેપાર-ધંધા માટેનાં લાઇસન્સ, દુકાનો અને સંસ્થાઓની નોંધણી, મિલકતવેરાના રેકોર્ડ તથા અન્ય ઉપલબ્ધ માહિતીના આધારે સંભવિત કરદાતાઓની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. પ્રાથમિક ચકાસણી બાદ અંદાજે ૬૪ હજાર વ્યક્તિઓ અને પેઢીઓને વ્યવસાયવેરા સંબંધિત નોટિસ મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવશે.
આ ઝુંબેશ માત્ર નાના દુકાનદારો પૂરતી મર્યાદિત નહીં રહે. શહેરમાં પોતાની ક્લિનિક, હોસ્પિટલ કે કન્સલ્ટિંગ સેન્ટર ચલાવતા ડૉક્ટરો ઉપરાંત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, વકીલો, આર્કિટેક્ટ, એન્જિનિયર, કન્સલ્ટન્ટ અને અન્ય સ્વતંત્ર વ્યવસાયિકોની વિગતોની પણ ચકાસણી કરવામાં આવશે.
આ ઉપરાંત મોટા વેપારીઓ, શોરૂમ સંચાલકો, હોલસેલર, ડિસ્ટ્રિબ્યુટર, ખાનગી કંપનીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, હોટલ-રેસ્ટોરન્ટ, કોચિંગ ક્લાસ, જીમ, ટ્રાવેલ્સ સંચાલકો તથા અન્ય વ્યાવસાયિક એકમો વ્યવસાયવેરાના કાયદા મુજબ નોંધાયેલા છે કે નહીં તેની તપાસ થવાની શક્યતા છે.
નોટિસ મેળવનાર વ્યક્તિ અથવા પેઢીએ પોતાનો વ્યવસાય, વ્યવસાય શરૂ કર્યાની તારીખ, કર્મચારીઓની સંખ્યા, વ્યવસાયવેરાની નોંધણી તથા અગાઉ ભરેલા વેરા અંગેના દસ્તાવેજો રજૂ કરવાના રહેશે. જેમણે વેરો ભર્યો હોવા છતાં તંત્રની યાદીમાં નામ આવ્યું હોય તેઓને જરૂરી પુરાવા રજૂ કરીને સ્પષ્ટતા કરવાની તક આપવામાં આવશે.
પરંતુ વ્યવસાયવેરો ભરવાની જવાબદારી હોવા છતાં નોંધણી નહીં કરાવનાર અથવા લાંબા સમયથી વેરો નહીં ભરનાર સામે નિયમો મુજબ બાકી રકમ, વ્યાજ અને દંડ સહિતની વસૂલાત કરવામાં આવી શકે છે. નોટિસની અવગણના કરનાર સામે આગામી તબક્કામાં કડક કાર્યવાહી હાથ ધરવાની તૈયારી પણ તંત્ર દ્વારા કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે.
નોટિસ પાઠવ્યા બાદ સંબંધિત કરદાતાઓ તરફથી જવાબ નહીં મળે તો ટીમો સ્થળ પર જઈને તપાસ કરશે. વ્યવસાયિક એકમ કાર્યરત છે કે નહીં, કેટલા લોકો ત્યાં રોજગાર મેળવી રહ્યા છે અને વ્યવસાયવેરા હેઠળ જરૂરી નોંધણી કરવામાં આવી છે કે નહીં તેની સ્થળ પર ચકાસણી કરવામાં આવશે.
ખાસ કરીને મોટા વેપારી એકમો અને નોંધપાત્ર આવક ધરાવતા વ્યાવસાયિકો દ્વારા વ્યવસાયવેરાની જોગવાઈનું પાલન કરવામાં આવે છે કે નહીં તેના પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. સમગ્ર ઝુંબેશ દરમિયાન નવા કરદાતાઓને વેરાના દાયરામાં લાવવા સાથે જૂની બાકીદારીની વસૂલાત પર પણ ભાર મૂકવામાં આવશે.