BREAKING NEWS

રાજકોટમાં આવાસ વિવાદમાં ડેપ્યુટી મેયર રડી પડ્યા, કોર્પોરેશન કચેરીએ આવવાનું બંધ કર્યું!

  • September 23, 2026 05:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકાના ડેપ્યુટી મેયર અને વોર્ડ નં.૯ના ભાજપના કોર્પોરેટર દક્ષાબેન વસાણીએ ગરીબો માટેની આવાસ યોજનામાં ક્વાર્ટર મેળવ્યાનો મામલો ચર્ચાની ચકડોળે હતો ત્યારે તેમણે એવો ખુલાસો કર્યો હતો કે તેમના પરિવારની દુકાન નટરાજ નગર ડિમોલિશનમાં કપાતમાં ગઇ હતી, ત્યારબાદ ડિમોલિશનના અસરગ્રસ્તોને અપાયેલા કપાતના વળતર સ્વરૂપે અન્યોની જેમ જ તેમને આવાસ મળ્યું હતું. દરમિયાન તેમણે કથિત ખોટું સોગંદનામું રજૂ કરીને આવાસ મેળવ્યાના આક્ષેપો થતાં આજે તેઓ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા અને કોર્પોરેશન કચેરીએ પણ આવ્યા નહીં હોવાનું જાણવા મળે છે.


વિશેષમાં સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ એકાએક આવાસ પ્રકરણ ઉછળતા તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને સમગ્ર મામલો પ્રદેશ ભાજપ સુધી પહોંચ્યો હોવાનું જાણવા મળે છે. રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે ક્યાંક ને ક્યાંક ભાજપના જ બે જૂથ વચ્ચે ચાલતી લડાઈનો ભોગ ડેપ્યુટી મેયર બન્યા છે. દરમિયાન આજે પ્રેસ-મીડિયા સાથેની વાતચીત દરમિયાન ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી રડી પડ્યા હતા. કોર્પોરેશન કચેરીમાં દરરોજ નિયમિત ઉપસ્થિત રહેતા ડેપ્યુટી મેયર હવે કોર્પોરેશન કચેરીએ આવવાનું પણ ટાળી રહ્યા છે. આજે કોર્પોરેશનમાં ઉપસ્થિત રહ્યા ન હતા. વ્યથિત ડેપ્યુટી મેયરે રઘુવંશી સમાજ સમક્ષ પણ પોતાની વ્યથા રજૂ કરી હોવાનું અને રઘુવંશી સમાજના અમુક આગેવાનો તેમની વ્હારે આવ્યાનું ચર્ચાય રહ્યું છે.

જો કે પેચીદા બનેલા આ મામલે મનપા તંત્રના અધિકારીઓ અને પદાધિકારીઓ હવે શું કાર્યવાહી કરશે તેના ઉપર શહેરીજનોની મીટ મંડાઇ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application