BREAKING NEWS

સફેદ દૂધનો કાળો કારોબારઃ ગુજરાતમાં છ મહિનામાં 20 હજાર લિટર નકલી દૂધ ઝડપાયું

  • September 21, 2026 02:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં સફેદ દૂધનો કાળો કારોબાર અત્યંત વ્યાપક બન્યો છે. માત્ર છ મહિનાના ટૂંકા સમયગાળામાં જ ૨૦ હજાર લીટરથી વધુ નકલી અને ભેળસેળયુક્ત દૂધ સુરક્ષા એજન્સીઓ દ્વારા ઝડપાઈ ચૂક્યું છે. દૂધ જેવા પોષક આહારમાં થઈ રહેલી આ ગંભીર ભેળસેળથી સામાન્ય નાગરિકોનું સ્વાસ્થ્ય જોખમમાં મુકાયું છે.

આજના સમયમાં માસૂમ બાળકોના દૂધના ગ્લાસમાં કેમિકલ, યુરિયા, ડિટર્જન્ટ અને પામ ઓઈલનું જીવલેણ મિશ્રણ થતું હોવાનું જાણવા મળ્યું છે. નવજાત શિશુઓ અને નાના બાળકોના શારીરિક તેમજ માનસિક વિકાસ માટે અનિવાર્ય ગણાતું દૂધ આજે લોકોના લિવર અને કિડનીને નષ્ટ કરવાનું મોટું હથિયાર બની ગયું છે. ભેળસેળયુક્ત અને કેમિકલયુક્ત દૂધ નિયમિત પીવાથી શરીરમાં પોઈઝનિંગ, ગંભીર લિવર ડેમેજ, હૃદય સંબંધી બીમારીઓ, બ્લડ પ્રેશર અને કેન્સર જેવા પ્રાણઘાતક રોગોનું જોખમ અનેકગણું વધી જાય છે.

દેશમાં 'ધ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, ૨૦૦૬' અંતર્ગત આજીવન કેદ અને ભારે દંડ જેવી કડક જોગવાઈઓ કાગળ પર અત્યંત મજબૂત દેખાય છે, પરંતુ જમીની સ્તરે નબળી તપાસ અને કાનૂની છટકબારીઓનો ભરપૂર લાભ લઈને ખાદ્ય માફિયાઓ સરળતાથી છટકી જાય છે. તંત્ર દ્વારા માત્ર દેખાડા ખાતર લેવાતા થોડા સેમ્પલ માત્ર એક ઔપચારિક નાટક બનીને રહી ગયા છે, જેના કારણે આ ભેળસેળિયાઓ અને અપરાધીઓ મન ફાવે તેમ કરી રહ્યા છે. 

દૂધમાં કુદરતી ફેબ (ચરબી) અને ઘટ્ટપણું દર્શાવવા માટે બજારમાં મળતા સસ્તા પામોલીન તેલ, સોયાબીન તેલ અથવા વનસ્પતિ ઘીનો મોટા પાયે ઉપયોગ કરવામાં આવે છે. આ મિશ્રણને પાણીમાં સારી રીતે ઓગાળીને અસલી દૂધ જેવું જ ગાઢ અને સફેદ પ્રવાહી બનાવવા માટે તેમાં વોશિંગ પાવડર, લિક્વિડ સોપ કે શેમ્પૂ જેવા નુકસાનકારક પદાર્થો ઉમેરવામાં આવે છે.

આ ઉપરાંત, દૂધમાં લેક્ટોઝ અને એસ.એન.એફ.ની યોગ્ય માત્રા જાળવી રાખવા માટે યુરિયા, ખાંડ, ગ્લુકોઝ તેમજ દૂધને લાંબા સમય સુધી બગડતું અટકાવવા પ્રિઝર્વેટિવ તરીકે હાઇડ્રોજન પેરોક્સાઇડ કે ફોર્માલિન જેવા અત્યંત જોખમી અને ઝેરી કેમિકલ્સ પણ ભેળવવામાં આવે છે. આ પ્રકારના જીવલેણ કારોબાર સામે જો ત્વરિત અને સખત પગલાં નહીં ભરાય, તો આગામી સમયમાં પરિસ્થિતિ વધુ ભયાનક બની શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application