BREAKING NEWS

ગુજરાતમાં 7 વિભાગના શ્રેષ્ઠ અધિકારીઓને મળશે ‘અટલ સુશાસન પુરસ્કાર’, વર્ગ-1ને રૂ.31 હજાર અને વર્ગ-2ને રૂ.21 હજારનું રોકડ ઇનામ

  • September 21, 2026 02:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યના વહીવટી તંત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા અધિકારીઓને પ્રોત્સાહિત કરવા ગુજરાત સરકારે ‘અટલ સુશાસન પુરસ્કાર’ યોજના અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો છે. ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬થી લાગુ કરાયેલી આ યોજના હેઠળ નાગરિકલક્ષી વહીવટ અને સુશાસનમાં નોંધપાત્ર કામગીરી કરનારા અધિકારીઓને દર વર્ષે પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. યોજનામાં પ્રજા સાથે સીધા સંકળાયેલા સાત મહત્વના વિભાગોના અધિકારીઓને આવરી લેવામાં આવ્યા છે. 


આ માટે આરોગ્ય વિભાગના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, શિક્ષણ વિભાગના જિલ્લા શિક્ષણાધિકારી/જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, માર્ગ-મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર અને અન્ન-નાગરિક પુરવઠા વિભાગના જિલ્લા પુરવઠા અધિકારી વર્ગ-૧માંથી પુરસ્કાર માટે પાત્ર રહેશે. જ્યારે રમતગમત વિભાગના જિલ્લા રમતગમત અધિકારી, પંચાયત વિભાગના તાલુકા વિકાસ અધિકારી અને મહેસૂલ વિભાગના મામલતદાર વર્ગ-૨માંથી પસંદ કરવામાં આવશે.


વર્ગ-૧ના અધિકારીને રૂ.૩૧ હજાર અને વર્ગ-૨ના અધિકારીને રૂ.૨૧ હજારનું રોકડ પુરસ્કાર અપાશે. સાથે ‘સર્ટીફીકેટ ઓફ એક્સીલેન્સી- અટલ ગુડ ગવર્નન્સ એવોર્ડ ’ પણ એનાયત થશે.

અધિકારીઓની પસંદગી સામાન્ય કામગીરીના આધારે નહીં પરંતુ અગાઉથી નક્કી કરાયેલા માપદંડોના આધારે કરવામાં આવશે. સંબંધિત વિભાગોમાં સચિવની અધ્યક્ષતામાં મૂલ્યાંકન સમિતિ રચાશે. તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારની કામગીરી માટે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં અલગ સમિતિની જોગવાઈ કરવામાં આવી છે, જેમાં જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ અધિક્ષક અને નિવાસી નાયબ કલેક્ટરનો સમાવેશ થશે.


મૂલ્યાંકન બાદ શ્રેષ્ઠ કામગીરી કરનારા અધિકારીઓને પ્રથમથી ત્રીજા ક્રમ આપવામાં આવશે. દર વર્ષે ૩૦ નવેમ્બર સુધી મૂલ્યાંકન પૂર્ણ કરવાનું રહેશે અને ૧૦ ડિસેમ્બર પહેલાં વિજેતાઓના નામ, પ્રમાણપત્ર તથા ચેક સામાન્ય વહીવટ વિભાગને મોકલવાના રહેશે.

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે ૨૫ ડિસેમ્બરના ‘સુશાસન દિવસ’ના કાર્યક્રમમાં વિજેતા અધિકારીઓનું સન્માન કરાશે. પુરસ્કારનો ખર્ચ સંબંધિત વિભાગના બજેટની ગ્રાન્ટમાંથી કરવામાં આવશે. આ યોજના દ્વારા જિલ્લા અને તાલુકા સ્તરે નાગરિકોને સીધી સેવા આપતા અધિકારીઓની ઉત્તમ કામગીરીને સંસ્થાકીય માન્યતા આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application