શહેરની ભાગોળે રાજકોટ અમદાવાદ હાઈવે પર એસએમસીની ટીમ દારૂ ભરેલી આઇસર ઝડપી લીધી હતી. પોલીસે બાણબોર ગામ પાસે આવેલી રાધા કૃષ્ણ હોટલ પાસેથી આઇસરમાંથી 86 લાખથી વધુની કિંમતનો 21,792 બોટલ- બીયરના ટીન સહિત દારૂના જથ્થા સાથે ક્લીનરને ઝડપી લીધો હતો. જ્યારે ડ્રાઇવર નાસી છૂટ્યો હતો. આ શહીદ સાત શખસોને વોન્ટેડ જાહેર કર્યા છે.
પ્રાથમિક તપાસમાં ચંદીગઢથી દારૂનો આ જથ્થો આઇસરમાં ભરી રાજકોટ સપ્લાય થવા માટે આવતો હતો. આઇસરમાં રો- મટીરીયલ્સ ની આડમાં દારૂનો આ જથ્થો છુપાવી રાખ્યો હતો. પોલીસે દારૂનો આ જથ્થો અને આઇસર સહિત કુલ ૧.૧૦ કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.
દારૂના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઇ પી.બી.જેલબીયા તથા ટીમ સૌરાષ્ટ્ર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન મળેલી હકીકતના આધારે રાજકોટ અમદાવાદ હાઈવે પર બાણબોર ગામ પાસે આવેલી રાધા કૃષ્ણ હોટલ પાસેથી શંકાસ્પદ આઇસર ટ્રક અટકાવ્યો હતો. દરમિયાન ટ્રક ચાલક નાસી ગયો હતો એસએમસીની ટીમે ટ્રકમાં તપાસ કરતા અંદર ટુથપેસ્ટ નું રો મટીરીયલ્સ જોવા મળ્યું હતું પરંતુ શંકાસ્પદ જણાતા સઘન તપાસ કરતા અંદરથી દારૂનો મોટો દેખો મળી આવ્યો હતો.
પોલીસે ટ્રકમાંથી રૂ.86 લાખથી વધુની કિંમતનો 21,792 દારૂ- બીયરના જથ્થા સાથે ટ્રકના ક્લીનર દિલીપસિંહ સુખદેવસિંહ રાવત (રહે. સોનીયાણ બ્યાવર, રાજસ્થાન) ને ઝડપી લીધો હતો પોલીસે દારૂનો આ જથ્થો અને ટ્રક તથા કવરીંગ મટીરયલ્સ માટે રાખવામાં આવેલું રો મટીરીયલ સહિત રૂ. 1,૧૦,૯૧,૦૧૨ નો મુદામાલ કબજે કર્યો હતો.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ પોલીસની તપાસમાં દારૂનો આ જથ્થો ચંદીગઢથી આઇસરમાં ભરી રવાના કરવામાં આવ્યો હતો અને રાજકોટ સપ્લાય કરવાનો હતો. જે અંગે પોલીસે રાજસ્થાનના કાલાણના જીતેન્દ્રસિંહ શ્રવણસિંહ, સુરેશ ટ્રક માલિક, ચંદીગઢ ખાતે જીતેન્દ્રસિંહનો અજાણ્યો માણસ, થાર ગાડી લઈ દારૂ ભરવા લઈ જનાર બે અજાણ્યા શખસો, ટ્રાન્સપોર્ટની બિલ્ટી લઈને આવનાર બાઈક ચાલક અને રાજકોટ ખાતે દારૂનો જથ્થો મંગાવનાર સહિત સાતને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. હાલ આ મામલે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
અગાઉ એસએમની રેડ બાદ કુવાડવાના પીઆઇ વસાવાને સસ્પેન્ડ કરાયા હતા
ત્રણેક માસ પૂર્વે રાજકોટના કુવાડવા રોડ પર આવેલા આર.કે. 9 ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડો પાડી અંદાજે રૂપિયા 70.38 લાખની કિંમતનો 217 પેટી વિદેશી દારૂનો જથ્થો અને એક ટ્રક સહિત કુલ રૂપિયા 1 કરોડથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો. આ સમગ્ર રેડ દરમિયાન સ્થળ પરથી એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, જેની સઘન પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે આ વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર બીજું કોઈ નહીં પણ જંગલેશ્વર વિસ્તારનો કુખ્યાત લિસ્ટેડ બુટલેગર ફિરોઝ સંધી હતો.
આ ઉપરાંત ઘટનાસ્થળેથી મળી આવેલી ક્રેટા કારના માલિક સુલતાન સંધી, ટ્રક ચાલક, બોલેરો ચાલક અને દારૂનો જથ્થો મોકલનાર સહિત અન્ય ફરાર 6 શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. આ પ્રકરણમાં કથિત બેદરકારીને ગંભીરતાથી લઈને રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ કુવાડવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પીઆઇ વી. આર. વસાવાને તાત્કાલિક અસરથી ફરજ પરથી સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો.