જામનગર પંથકમાં સપરમા દિવસોમાં વાહન અકસ્માતમાં કુલ ત્રણના મોત
મોટી ગોપ નજીક રિક્ષા પલટી જતાં વૃદ્ધનું મોત : બેને ગંભીર ઈજા : આણંદપરમાં કારે મોટરસાયકલને હડફેટે લેતા યુવાનનું મૃત્યુ : વરવાળા પાસે ઇકોએ બાઇકને ઠોકર મારતા એક યુવકનો ભોગ લેવાયો
જામનગરમાં સપરમા દિવસોમાં અકસ્માતના જુદા જુદા બનાવમાં ૩ વ્યકિતના મૃત્યુ નિપજયા છે, ગોપનાથ મહાદેવના દર્શન કરીને પરત ફરતી વેળાએ રીક્ષા પલ્ટી ખાઇ જતા મૃત્યુ નિપજયુ હતું, આણંદપરમાં કારે બાઇકને હડફેટે લેતા પરપ્રાંતીય યુવાનનો ભોગ લેવાયો હતો અને વરવાળાથી આગળ ઇકો ગાડીએ બાઇકને ઠોકર મારતા એક યુવાનનું મૃત્યુ નિપજયુ હતું.
જામનગર તાલુકાના દરેડ નજીક રહેતો પરિવાર ગોપનાથ મહાદેવના દર્શન કરી રિક્ષામાં પરત ફરી રહ્યો હતો ત્યારે ગોપનાથ ડુંગર પરથી નીચે ઉતરતી વખતે રિક્ષા ચાલકે બેફિકરાઈ અને ગફલતભરી રીતે રિક્ષા હંકારતાં સંતુલન ગુમાવી રિક્ષા પલટી ખાઈ હતી. અકસ્માતમાં રિક્ષામાં સવાર ખીમજીભાઈ મનજીભાઈ ચૌહાણ (ઉંમર ૬૫) રિક્ષા નીચે દબાઈ જતાં માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. તેમને લાલપુરની સરકારી હોસ્પિટલમાં લઈ જવાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.
આ બનાવ અંગે મૃતકની પુત્રી જયશ્રીબેન સુનિલભાઈ રાઠોડે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, તા. ૫ સપ્ટેમ્બરના રોજ પરિવારના સભ્યો સીએનજી રિક્ષા નં. જીજે ૧૦- ટીડબલ્યુ-૧૦૭૭ માં ગોપનાથ મહાદેવના દર્શન માટે ગયા હતા. બપોરે પરત ફરતી વખતે રિક્ષા અમરશીભાઈ મંગાભાઈ સાગઠીયા ચલાવતા હતા. ગોપનાથ ડુંગર પરથી નીચે ઉતરતી વખતે તેમણે રિક્ષા બેફિકરાઈથી ચલાવતાં તેનું સંતુલન ગુમાવ્યું હતું અને રિક્ષા પલટી ખાઈ ગઈ હતી.
અકસ્માતમાં ખીમજીભાઈને માથાના પાછળના ભાગે ગંભીર ઈજા થઈ હતી, જ્યારે ફરિયાદીના પતિ સુનિલભાઈને માથા તથા શરીરે ઈજાઓ થઈ હતી. ફરિયાદીના ભાઈ દિલીપભાઈને ડાબા પગમાં ગંભીર ઈજા થઈ હતી.
પરિવારના અન્ય સભ્યોને પણ સામાન્ય ઈજાઓ થઈ હતી. ૧૦૮ની મદદથી તમામને લાલપુર સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં ખીમજીભાઈને મૃત જાહેર કરાયા હતા, જ્યારે સુનિલભાઈ અને દિલીપભાઈને વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસે રિક્ષા ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બીજા બનાવમાં કાલાવડના આણંદપર ગામ પાસે તા. ૪ના રોજ ફોરવ્હીલ ગાડી નં. જીજે૫સીઆર-૦૦૭૨ના ચાલકે પુરઝડપે અને બેદરકારીથી ચલાવી મોટરસાયકલ નં. જીજે૩જેએફ-૯૭૪૯ને ઠોકર મારી હતી જેમાં ફરીયાદીના પતિ મનોજભાઇને માથાની પાછળના ભાગે ગંભીર ઇજા થતા સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયુ હતું, આ અંગે મુળ ઓડીસાના હાલ આણંદપર રહેતા માનસીબેન દ્વારા ગ્રામ્ય પોલીસમાં ફોરવ્હીલ ગાડીના ચાલક સામે ફરીયાદ નોંધાવી હતી.
અન્ય એક બનાવમાં જામજોધપુરના મહિકી પાટીયા પાસે રહેતા અશોક મગનભાઇ સાંથલપરા (ઉ.વ.૪૫)એ ઇકો ગાડી નં. જીજે૬એચએસ-૬૫૫૦ના ચાલક સામે ફરીયાદ નોંધાવી છે જેની વિગત મુજબ ફરીયાદીના મોટા પુત્ર મેરૂભાઇ, નાનો પુત્ર વિશાલ બંને સ્પ્લેન્ડર નં. જીજે૩એપી-૩૧૩૪ લઇને સતાપર કામ અર્થે ગયા હતા પરત આવતા હતા ત્યારે વરવાળાથી આગળ ઇકો ગાડીના ચાલકે પુરઝડપે અને બેદરકારીથી ચલાવી બાઇકને સામેથી હડફેટે લીધી હતી જેમાં વિશાલને પગ અને સાથળના ભાગે, મેરૂને પગ-માથામાં ગંભીર ઇજા પહોચી હતી જે દરમ્યાન મેરૂનું ગંભીર ઇજા સબબ મૃત્યુ નિપજયુ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application