જામનગરમાં શ્રાવણી મેળાની રંગત, પાંચ લાખ લોકોએ મોજ માણી
જામનગર શહેરના પ્રદર્શન મેદાન ખાતે મહાનગરપાલિકા દ્વારા આયોજિત પરંપરાગત શ્રાવણી લોકમેળામાં સાતમથી દસમ સુધીના ચાર દિવસમાં ૫ લાખથી વધુ લોકોએ મેળાની મોજ માણતા હૈયે હૈયું દળાય તેવી ચિક્કાર ભીડ જોવા મળી હતી.મોટી-નાની રાઈડસ આર્કષણનું કેન્દ્વ બની હતી. ખાસ કરીને રાત્રીના રોશનીથી ઝળહળતા મેળાનો નયનરમ્ય નઝારો જોવા મળી રહ્યો છે.
જામનગરમાં સાતમ, આઠમ, નોમ અને દસમના ચાર દિવસ દરમિયાન પાંચ લાખથી વધુ લોકોએ શ્રાવણી લોકમેળાની મુલાકાત લીધી હતી. મોડી રાત સુધી મોટી સંખ્યામાં લોકો મેળામાં રોકાઈ અવનવી રાઈડ્સ, રમકડાં, ખાણીપીણી સહિતના વિવિધ આકર્ષણોની મોજ માણતા જોવા મળ્યા હતા.મેળામાં મોટી રાઈડ્સ ખાસ કરીને યુવાનો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ ઉપરાંત બાળકો માટેની નાની રાઈડ્સમાં પણ ભારે ભીડ જોવા મળી હતી. વિવિધ પ્રકારના રમકડાંના સ્ટોલ પર બાળકો અને વાલીઓની ખરીદી માટે ભીડ જોવા મળી હતી. જ્યારે ખાણીપીણીના સ્ટોલ પર પણ શહેરીજનોએ વિવિધ વાનગીઓની મોજ માણી હતી. આમ, ચાર દિવસ દરમિયાન સમગ્ર પ્રદર્શન મેદાનમાં તહેવારની ઉજવણી સાથે મેળાની રંગત ચરમસીમાએ પહોંચી હતી. રાત્રિના સમયે રોશનીથી ઝગમગતા પ્રદર્શન મેદાનનો નજારો પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
મેળામાં ઉમટતી વિશાળ ભીડને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકા તંત્ર દ્વારા વિવિધ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. ક્ધટ્રોલ રૂમ મારફતે મેળામાં આવતા લોકોની મદદ અને માર્ગદર્શન માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. બીજી તરફ પોલીસ તંત્ર દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી ભીડ વ્યવસ્થાપન અને લોકોની સલામતી માટે સતત તકેદારી રાખવામાં આવી રહી છે. શ્રાવણી લોકમેળામાં મનોરંજનની સાથે વિવિધ સેવાકીય અને ધાર્મિક પ્રવૃત્તિઓ પણ યોજાઈ રહી છે. મેળામાં ઔષધીય લાડુના પ્રસાદનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે. શ્રાવણ માસના અંતિમ દિવસો સુધી મેળાનો માહોલ રહેવાનો હોવાથી આગામી દિવસોમાં પણ મોટી સંખ્યામાં લોકો ઉમટવાની શક્યતા છે. શ્રાવણી લોકમેળામાં મોટી સંખ્યામાં ઉમટેલા લોકોની સુવિધા માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. ખાસ કરીને તા. ૩, ૪, ૫ અને ૬ સપ્ટેમ્બરના ચાર દિવસ દરમિયાન મેળામાં ભારે ભીડ રહેતાં મેળા ના મુલાકાતીઓ માટે બનાવેલા અલગ અલગ ત્રણ પાણીના પરબમાં પાણી પહોંચતું કરવામાં આવ્યું હતું.
મહાનગરપાલિકાના વોટરવર્ક્સ વિભાગના ઇજનેર નરેશ પટેલની દેખરેખ હેઠળ ગોઠવાયેલી વ્યવસ્થામાં ૧૦ હજાર લિટરની ક્ષમતાવાળા કુલ ૪૨ ટેન્કર, એટલે કે અંદાજે ૪.૨૦ લાખ લિટર પાણી, ભરીને મેળાના મેદાનમાં પહોંચાડવામાં આવ્યું હતું. ભીડ વચ્ચે પણ ટેન્કરો દ્વારા પાણી પહોંચાડી મેદાનમાં નિયમિત પાણી પહોંચતું કરાયું હતું. મેળાના મુલાકાતીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા ઉપરાંત ખાણી-પીણીના સ્ટોલ સંચાલકોને પણ શુદ્ધ પાણી ઉપલબ્ધ રહે તે માટે પાણી પહોંચાડવામાં આવ્યું હતું. તેમજ રાઇડ સંચાલકોને પણ પાણીની સુવિધા પૂરી પાડવામાં આવી હતી.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શ્રાવણી મેળો શાંતિપૂર્ણ રહ્યો:
શ્રાવણી લોકમેળામાં સાતમ, આઠમ અને જન્માષ્ટમીના તહેવારો દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતાં પોલીસ તંત્ર દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જામનગર જિલ્લા પોલીસ વડા ડો. રવિમોહન સૈનીના માર્ગદર્શન તથા શહેર વિભાગના ડીવાયએસપી જે. એન. ઝાલાની રાહબરી હેઠળ બે પોલીસ ઇન્સ્પેક્ટર, સાત પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમજ એકસોથી વધુ એએસઆઈ, પોલીસ હેડ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, મહિલા પોલીસ કર્મચારીઓ અને હોમગાર્ડના જવાનો સહિતનો વિશાળ પોલીસ કાફલો મેળામાં તૈનાત રહ્યો હતો. મેળામાં ઊમટેલી વિશાળ ભીડ વચ્ચે ભીડ વ્યવસ્થાપન, સલામતી અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવવા પોલીસ દ્વારા સતત તકેદારી રાખવામાં આવી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્તના પરિણામે સાતમ, આઠમ અને જન્માષ્ટમી સહિતના તહેવારના દિવસો દરમિયાન મેળામાં કોઈ અનિચ્છનીય ઘટના બની ન હતી, અને શહેરીજનોએ નિર્ભય વાતાવરણમાં શ્રાવણી મેળાની ભરપૂર મોજ માણી હતી.
ખોવાયેલા ૨૩ મોબાઇલ અને ૧૮ પર્સ મૂળ માલિકોને પરત કરાયા:
જામનગરના શ્રાવણી લોકમેળામાં સાતમ, આઠમ અને જન્માષ્ટમીના તહેવારના દિવસોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ દરમિયાન કુલ ૨૩ વ્યક્તિઓના મોબાઇલ ફોન તથા ૧૮ પર્સ ગુમ થયા હતા. મેળામાં બંદોબસ્તમાં રહેલા પોલીસ કર્મચારીઓ તથા સિટી એ અને સિટી બી ડિવિઝનના પોલીસ સ્ટાફ દ્વારા ખોવાયેલા મોબાઇલ અને પર્સ અંગે મળેલી વિગતોના આધારે મોબાઇલ નંબર, અન્ય સંપર્ક વિગતો તેમજ ઓળખના આધારે માલિકોનો સંપર્ક કરી તમામ મોબાઇલ ફોન અને પર્સ તેમના માલિકોને પરત કરાવવામાં આવ્યા હતા.
મેળામાં રાત્રી ૩૦ કર્મચારીઓ દ્વારા ગ્રાઉન્ડની રાત્રી સફાઇ:
શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા શ્રાવણી લોકમેળામાં સ્વચ્છતા જાળવવા માટે સફાઈકર્મીઓ દ્વારા કરવામાં આવી રહેલી રાત્રીભરની સફાઈ કામગીરી લોકોની આંખે વળગી છે. મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોવા છતાં સફાઈકર્મીઓ સતત જહેમત ઉઠાવી મેળા પરિસરને સ્વચ્છ રાખી રહ્યા છે, મેળામાં દરરોજ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોવાથી કાગળ, પ્લાસ્ટિક, ખાણી-પીણી ની ચીજવસ્તુઓ સહિતનો કચરો એકઠો થતો હોય છે. તેમ છતાં સફાઈકર્મીઓ દ્વારા સતત સફાઈ કામગીરી હાથ ધરવામાં આવતા મેળા પરિસરમાં સ્વચ્છતા જળવાઈ રહી છે. ખાસ કરીને રાત્રિ ના સમયે મેળો પૂર્ણ થયા બાદ સફાઈકર્મીઓ દ્વારા સમગ્ર પરિસરમાં સફાઈ કરવામાં આવે છે. મ્યુની. કમિશનર દીપેશ કેડિયા ના માર્ગદર્શન હેઠળ ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા અને આસી. કમિશનર મુકેશ વરણવા ની રાહબરીમાં સમગ્ર મેળા દરમિયાન પ્રતિદિન સફાઈનું અભિયાન હાથ ધરવામાં આવે છે. દરરોજ મોડી રાત્રે એસએસઆઈ વિજયભાઈ બાબરીયા ના નેતૃત્વ હેઠળ આશરે ૩૦ જેટલા સફાઈકર્મીઓ રાત્રીભર મેળા ગ્રાઉન્ડની સફાઈ કરે છે.
લોકમેળામાં વિખૂટા પડેલા ૫૧ બાળકોનું વાલીઓ સાથે મિલન:
શ્રાવણી લોકમેળામાં ચાર દિવસ દરમિયાન ભીડ વચ્ચે કુલ ૫૧ બાળકો પોતાના માતા-પિતાથી વિખૂટા પડી ગયા હતા. આ અંગે મહાનગરપાલિકાના ક્ધટ્રોલ રૂમને જાણ થતાં તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. ક્ધટ્રોલ રૂમમાંથી માઇક દ્વારા જાહેરાત કરાવવામાં આવી તેમજ જરૂરી સ્થળોએ ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો હતો. પરિણામે વિખૂટા પડેલા તમામ ૫૧ બાળકોને શોધી કાઢી તેમના માતા-પિતા અને વાલીઓ સાથે પુન:મિલન કરાવવામાં આવ્યું હતું. મેળામાં મહાનગરપાલિકાના તંત્ર સાથે પોલીસ તંત્રનો પણ પૂરતો સહયોગ મળ્યો હતો. વિશાળ ભીડ વચ્ચે બાળકોની સલામતી અને તેમને વાલીઓ સુધી પહોંચાડવાની કામગીરીમાં બંને તંત્રના કર્મચારીઓ સતત ખડેપગે રહ્યા હતા.