રાજકોટ રેલવે જંકશન સામે મ્યુ.કોર્પો. દ્વારા ૮૮ દુકાનોના થયેલા ગેરકાયદે ડિમોલિશનના 18 વર્ષ પહેલાના સિવિલ દાવામાં કોર્ટ આર.એમ.સી.એ કરેલ ડિમોલિશન કુદરતી ન્યાયના સિધ્ધાંત વિરુધ્ધ ઠરાવતો વેપારુઓની તરફેણમાં ચુકાદો આપ્યો છે.
આ કેસની હકીકત મુજબ, ગત તા.૩૧/ ૧/ ૨૦૦૮ના રોજ સવારે આશરે ૮-૦૦ વાગ્યાના સુમારે, રાજકોટના જંકશન મેઈન રોડ ઉપર, રેલ્વે સ્ટેશન સામે આવેલ આશરે ૮૮ દુકાનો/કેબિનોનું રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ, કર્મચારીઓએ અગાઉથી કોઈપણ જાતની નોટીસ પાઠવ્યા વગર કે જાણ કર્યા વગર જે.સી.બી.અને બુલડોઝરની મદદથી ડિમોલિશન કરી નાખ્યું હતું. જેની સામે દુકાન/કેબિનધારકોએ રાજકોટની દિવાની અદાલતમાં કાયમી વિજ્ઞાપન અને મનાઈહુકમ મેળવવા વાસ્તે તથા ઉપરોકત ડિમોલિશન ગેરકાયદેસર ઠરાવવા એડવોકેટ કે.ડી. શાહ મારફત આશરે ૮૮ દાવાઓ તા. ૦૨/ ૦૨/ ૨૦૦૮ના રોજ દાખલ કર્યા હતા. જેમાં રાજકોટની દિવાની અદાલતે વાદી તરફે રજુ રાખવામાં આવેલ પુરાવાઓ, વાદીઓની જુબાની, કેસની હકીકત, તેમજ દુકાન/કેબિનધારકોના એડવોકેટ કે.ડી. શાહની દલીલોને ધ્યાને લઈ તેમજ વડી અદાલત તેમજ સુપ્રીમ કોર્ટના રજુ કરેલ ચુકાદાઓને ધ્યાને લઈ, ગત તા.૦૩ /૦૯/૨૦૨૬ના રોજ સિવિલ કોર્ટે વાદીઓના લાભમાં આશરે ૩૦૫ પાનાના ચુકાદામાં તમામ દાવાઓ અંશતઃ મંજુર કરેલ છે, તેમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલ ડિમોલિશન કુદરતી ન્યાયના સિધ્ધાંત વિરુધ્ધનું ઠરાવવામાં આવેલ છે.ઉપરોકત ચુકાદાને ધ્યાને લઈ ૧૮-૧૮ વર્ષથી પોતાના કાયદેસરના હકક અને અધિકાર માટે લડતા જંકશન મેઈન રોડ, ડિમોલિશનના અસરકર્તા વેપારીઓ હવે સદરહુ ચુકાદાને ધ્યાને લઈ આગળની કાર્યવાહી કરવા તેમજ વળતર અંગેની કાયદેસરની કાર્યવાહી માટે ચક્રો ગતિમાન કર્યા છે. ઉપરોકત કેસોમાં વેપારીઓ તરફથી સિનિયર એડવોકેટ ડી.જી. શાહ, કે.ડી. શાહ તથા એસ.આઈ. શાહ રોકાયા છે.