સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી ટૂંકા સમયમાં અસાધારણ નાણાકીય વળતરની લાલચ આપી સમગ્ર રાજ્યભરના 1.5 લાખથી વધુ રોકાણકારો સાથે કરોડો રૂપિયાની ઠગાઈ આચરનારી આંતરરાજ્ય ગેંગનો અમરેલી સાયબર ક્રાઇમ પોલીસે પર્દાફાશ કર્યો છે. 'એસડી પે' અને 'અપના પે' નામની મોબાઇલ ઍપ્લિકેશન મારફતે આચરવામાં આવેલા અંદાજે રૂ.634 કરોડના આ કૌભાંડની તપાસ માટે રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (સીટ) દ્વારા કંપનીના ડિરેક્ટર સહિત છ મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ કૌભાંડ સામે આવ્યા બાદ સમગ્ર રાજ્યના રોકાણકારોમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
મળતી વિગતો અનુસાર, આરોપીઓએ 'એસડી પે' ઍપ્લિકેશન દ્વારા લોકો પાસે રૂ.1,000થી લઈને રૂ.5 લાખ કે તેથી વધુ રકમનું રોકાણ કરાવવા માટે વિવિધ આકર્ષક યોજનાઓ રજૂ કરી હતી. આ યોજનાઓ હેઠળ રોકાણકારોને દૈનિક 0.15 ટકાથી લઈને 0.30 ટકા સુધીના અવાસ્તવિક વળતરની જાહેરાતો કરવામાં આવી હતી. વધુમાં, રોકાણકારોને આકર્ષવા માટે 15 અલગ-અલગ લેયર સુધી ત્રણથી 30 ટકા સુધીના જંગી રેફરલ બોનસની લાલચ પણ આપવામાં આવી હતી. ગૂગલ પ્લે સ્ટોર પર દસ લાખથી વધુ ડાઉનલોડ ધરાવતી આ એપ્લિકેશન મારફતે આરોપીઓએ પોતાની જ રેફરલ લિંકથી આશરે દોઢથી પોણા બે લાખ લોકોને જોડીને કરોડો રૂપિયાનું રોકાણ કરાવી વિશ્વાસઘાત કર્યો હતો.
તપાસ દરમિયાન સામે આવેલા પ્લાન અનુસાર રૂ.1,000થી રૂ.25,000 સુધીના રોકાણ પર 0.15 ટકા દૈનિક વળતર, રૂ.25,000થી રૂ.1 લાખ સુધીના રોકાણ પર 0.20 ટકા દૈનિક વળતર, રૂ.1 લાખથી રૂ.5 લાખ સુધીના રોકાણ પર 0.25% દૈનિક વળતર, રૂ.5 લાખથી વધુના રોકાણ પર 0.30 ટકા દૈનિક વળતર અને 15 લેયર સુધી ત્રણથી 30 ટકા સુધીનું રેફરલ કમિશન આપવાની લાલચ આપી હતી.
આ મામલે અમરેલી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમો, બેનિંગ ઓફ અનરેગ્યુલેટેડ ડિપોઝિટ સ્કીમ્સ એક્ટ, જીપીઆઈડી એક્ટ અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધી એસઆઈટીની રચના કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓએ નાણાં મેળવવા અને તેને સગેવગે કરવા માટે એસ.ડી. હબ (ઓપીસી) પ્રાઇવેટ લિમિટેડ, શિવ ધરતી કોમ્યુનિકેશન અને યુપે ડિજિ પેમેન્ટ ઈન્ડિયા સહિતની અનેક ડમી કંપનીઓ ઊભી કરી હતી. આ કંપનીઓના 15 જેટલા મુખ્ય બેંક ખાતાઓમાં રૂ.634 કરોડની જંગી રકમ જમા થઈ હોવાનું સાબિત થયું છે, જ્યારે આરોપીઓના અંગત 30 થી 35 બેંક ખાતાઓ પણ મળી આવ્યા છે.
એસઆઈટી દ્વારા આ કેસમાં સૂર્યસિંહ રાઠોડ (ગાંધીનગર), આશિષ ગેડિયા (સુરત), ભાવેશ ચૌહાણ (સુરત), નિશી પ્રસાદ (મહેસાણા/બિહાર), સોહિલ મકવાણા (મહેસાણા) અને નિરવકુમાર પટેલ (મહેસાણા) નામના છ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર તપાસ કરતા આ ગેંગના 12 બેંક ખાતાઓ સામે દેશભરમાંથી 83 સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાયેલી હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસ દ્વારા અન્ય શંકાસ્પદ કંપનીઓ અને બેંક ખાતાઓની વધુ ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે.