એચડીએફસી બેન્કના ક્રેડિટ કાર્ડધારકો સહિત વિવિધ પ્રકારની લોનની લેણી રકમ સમયસર પરત ન કરનાર 333 ડિફોલ્ટરોને રાજકોટની સ્પેશિયલ નેગોશિએબલ કોર્ટે ત્રણ માસથી લઈને બે વર્ષ સુધીની સાદી કેદની સજા તથા લેણી રકમ વળતર તરીકે 30 દિવસમાં ફરિયાદી બેંકને ચૂકવવા હુકમ ફરમાવ્યો છે.
આ કેસની હકીકત મુજબ, એચડીએફસી બેન્ક દ્વારા અલગ-અલગ ગ્રાહકોને ક્રેડિટ કાર્ડ સુવિધા તથા પર્સનલ, વ્હીકલ સહિતની વિવિધ લોન આપવામાં આવી હતી. લોન મંજૂર થયા બાદ નિયત સમયગાળામાં હપ્તા ભરવાના રહેતા હતા, પરંતુ 333 જેટલા ખાતાધારકોએ લાંબા સમય સુધી કોઈ રકમ જમા કરાવી ન હતી અને બેંકની લેણી રકમ ભરવામાં નિષ્ફળ રહ્યા હતા.
આથી બેંક દ્વારા પ્રથમ તબક્કે તમામ ડિફોલ્ટરોને બેંકના એડવોકેટ મારફતે કાયદેસરની નોટિસ પાઠવી રકમ ભરપાઈ કરવા જણાવાયું હતું. નોટિસ મળ્યા છતાં રકમ ન ભરાતા અંતે બેંકે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જેમાં એચડીએફસી બેંક વતી રાજકોટની સ્પે. નેગોશિએબલ કોર્ટમાં પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ એક્ટની કલમ-25 તથા નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-138 હેઠળ અલગ-અલગ ફોજદારી ફરિયાદો દાખલ કરવામાં આવી હતી. આ કેસોની સુનાવણી દરમિયાન અનેક આરોપીઓ કોર્ટમાં હાજર થયા હતા, પરંતુ તેઓ લેણી રકમ જમા કરાવવામાં નિષ્ફળ ગયા હતા.
બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે બેંકની દલીલો ગ્રાહ્ય રાખી હતી. ચેક રિટર્ન અને લોન ડિફોલ્ટના કેસોમાં કાયદાનો હેતુ સમયસર નાણાંની વસૂલાતનો છે, ત્યારે આરોપીઓની બેદરકારી સ્પષ્ટ જણાતા કોર્ટે તમામ 333 આરોપીઓને કસૂરવાર ઠેરવ્યા હતા.
કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે, આરોપીઓને 3 માસથી લઈને 2 વર્ષ સુધીની સાદી કેદની સજા કરવામાં આવે છે અને સાથે જ ચેકની રકમ કરતા વધુ રકમ વળતર પેટે 30 દિવસની અંદર ફરિયાદી બેંકને ચૂકવવા હુકમ કરવામાં આવે છે. જો વળતરની રકમ ન ચૂકવાય તો વધુ કેદ ભોગવવી પડશે. આ ચુકાદાથી ક્રેડિટ કાર્ડ સુવિધા અને લોન લઈને ન ભરતા ડિફોલ્ટરોમાં ફફડાટ ફેલાયો છે.