વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરાનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ નવસારીની મુલાકાત લીધી હતી. અહીં તેમણે નેશનલ હાઇવે ગ્રીડ નજીક ભાજપના દેશના પ્રથમ એઆઈ (AI) આધારિત અત્યાધુનિક કાર્યાલય ‘નમો કમલમ’નું વિધિવત લોકાર્પણ કર્યું હતું. આ ઐતિહાસિક ઘડીને પગલે નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. લોકાર્પણના આ ભવ્ય પ્રસંગે કાર્યક્રમ સ્થળે 5,000 થી વધુ ભાજપના આગેવાનો અને કાર્યકરો વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા.
વડાપ્રધાનનું હેલિપેડ પર આગમન થતાં જ તેમનું પરંપરાગત અને અનોખી શૈલીમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ 1,100 મહિલાઓએ માથે મંગલ કળશ મૂકીને વડાપ્રધાનને વધાવ્યા હતા. સ્વાગત દરમિયાન 500 જેટલા પુરુષોએ એકસાથે ડમરુ વાદન કરીને સમગ્ર વાતાવરણને શિવમય બનાવી દીધું હતું. આ ઉપરાંત, 30 જેટલી બહેનોએ ઢોલ-ત્રાંસા અને પરંપરાગત વાદ્યોના ગુંજતા તાલ સાથે પીએમ મોદીનું ઉષ્માભર્યું અભિવાદન કર્યું હતું.
ઉદ્ઘાટન સંપન્ન થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘નમો કમલમ’ પરિસરની વિગતવાર મુલાકાત લઈને તમામ વિભાગોની સમીક્ષા કરી હતી. તેમણે કાર્યાલયમાં તૈયાર કરાયેલા મુખ્ય વહીવટી વિભાગ, અદ્યતન મીડિયા સેન્ટર અને ડિજિટલ કોલ સેન્ટરની કાર્યપ્રણાલીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. વધુમાં, તેમણે આધુનિક લાઈબ્રેરી તેમજ સ્થાનિક સાંસદ અને ધારાસભ્ય માટે બનાવવામાં આવેલી ખાસ કેબિનોની મુલાકાત લીધી હતી. આ સાથે પંડિત દીનદયાળ મીટિંગ હોલ, ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી હોલ અને અટલ સભાખંડની સુવિધાઓનું પણ તેઓએ ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું.
આ ઐતિહાસિક કાર્યક્રમના સીધા પ્રસારણ (લાઇવ કવરેજ) માટે સમગ્ર જિલ્લાભરમાં વ્યાપક ડિજિટલ આયોજન કરવામાં આવ્યું હતું. નવસારીના તમામ 389 ગામોમાં કુલ 4,000 જેટલી મોટી ડિજિટલ સ્ક્રીન ગોઠવવામાં આવી હતી. આ વિશેષ વ્યવસ્થાના માધ્યમથી જિલ્લાના 1.15 લાખથી વધુ ગ્રામજનોએ પોતપોતાના ગામમાં બેસીને આ કાર્યક્રમનું સીધું પ્રસારણ નિહાળ્યું હતું અને ઘરઆંગણે જ વડાપ્રધાનનું સંબોધન લાઈવ સાંભળવાનો લહાવો લીધો હતો.