કચ્છના અંજાર તાલુકાના વરસામેડી ગામેથી ગત 31મી ઓગસ્ટથી રહસ્યમય રીતે ગુમ થયેલા 43 વર્ષીય લખુ હુંબલ નામના યુવકની નિર્મમ હત્યાનો ભેદ ઉકેલવામાં અંજાર પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને સફળતા મળી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી પૂછપરછ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી છે. લખુ હુંબલની પત્ની સાથે આરોપીને પ્રેમસંબંધ હતો. આથી લખુ હુંબલની હત્યા કરી તેના મૃતદેહના ટુકડા કરી તળાવમાં ફેંકી દીધાનું ખુલ્યું છે.
પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર, આ હત્યા પાછળ અનૈતિક સંબંધો મુખ્ય કારણ હોવાનું સામે આવ્યું છે. મૃતક લખુની પત્ની સાથે પાડોશમાં રહેતા દિનેશ ઠાકોર નામના શખસને છેલ્લા દોઢેક વર્ષથી પ્રેમસંબંધ ચાલતો હતો. જોકે, આ બાબતની શંકા મૃતક લખુ હુંબલને ગઈ હતી. પોતાની પોલ ખૂલી જવાની અને સંબંધોમાં અડચણ ઊભી થવાની ભીતિ સેવાતાં આરોપી દિનેશે લખુને પોતાના ઘરે બોલાવ્યો હતો અને તકનો લાભ ઉઠાવી તેના માથાના ભાગે લોખંડનો ભારે રોડ ઝીંકીને તેની હત્યા કરી નાખી હતી.
હત્યા આચર્યા બાદ ગુનાનો પુરાવો નાશ કરવા માટે આરોપીએ અત્યંત ક્રૂર અને ધાતકી માર્ગ અપનાવ્યો હતો. તપાસમાં ખુલાસો થયો છે કે, હત્યા બાદ આરોપીએ સૌપ્રથમ મૃતકનો મોબાઈલ ફોન વરસામેડી હાઈવે રોડ પર કાચા રસ્તા પર ફેંકી દીધો હતો. ત્યારબાદ, ગુનો છુપાવવાના ઈરાદાથી તેણે હેક્સો બ્લેડ વડે મૃતદેહના બે ટુકડા કરી નાખ્યા હતા. આ ટુકડાઓને પ્લાસ્ટિકના કોથળામાં પેક કરીને નજીકમાં આવેલા તળાવના ઊંડા પાણીમાં ફેંકી દીધા હતા જેથી કોઈને જાણ ન થાય.
આ ચકચારી મામલે અંજાર પોલીસ અને એલસીબી ની ટીમે તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવી સઘન તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ટેક્નિકલ સર્વેલન્સ, બાતમીદારોની મદદ અને હ્યુમન ઈન્ટેલિજન્સના સચોટ ઉપયોગના આધારે પોલીસે શંકાની સોય ધરાવતા પાડોશી દિનેશ ઠાકોરની અટકાયત કરી હતી. કડક પૂછપરછ દરમિયાન આરોપી ભાંગી પડ્યો હતો અને પોતાનો ગુનો કબૂલી લીધો હતો. પોલીસે આરોપી સામે હત્યા તેમજ પુરાવાનો નાશ કરવાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.