ફાયર બ્રિગેડની ટીમે મૃતદેહ બહાર કાઢી પરિવારને સોપ્યો
નાઘેડી પાસે આવેલા તળાવમાંથી ગઈકાલે સાંજે એક માનવ બેશુદ્ધ હાલતમાં પાણીમાં પડી રહ્યો છે, તેઓ સંદેશ નાઘેડી ગામના સરપંચ સુરેશભાઈ બાંભવા મારફતે ફાયર બ્રિગેડને મળ્યો હતો. જેથી ફાયર શાખાની ટુકડી તાબડતોબ ઘટના સ્થળે દોડી ગઈ હતી. તે દરમિયાન કેટલાક સ્થાનિક તરવૈયાઓએ પાણીમાં ડૂબેલા યુવકને જીવિત અવસ્થામાં બહાર કાઢી લઈ ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો, પરંતુ ત્યાં તેનો મૃતદેહજ પહોંચ્યો હતો અને તબીબો દ્વારા તેનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કરાયું હતું.
આ બનાવ અંગે પોલીસને જાણ કરાતાં પંચકોશી બી. ડિવિઝન ના પોલીસ હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહ ઝાલા ઘટના સ્થળે અને ત્યારબાદ જીજી હોસ્પિટલમાં દોડી ગયા હતા, જ્યાં મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ તપાસ દરમિયાન મૃતક નું નામ રવિરાજસિંહ મહિપતસિંહ ગોહિલ (ઉંમર વર્ષ ૨૩) અને જામનગર તાલુકાના વસઈ ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. મૃતક યુવાન છેલ્લા કેટલાક સમયથી માનસિક અસ્થિરતા ગુમાવી બેઠેલા હતા અને તેની દવા પણ ચાલતી હતી. દરમિયાન પોતાની બીમારીથી તંગ આવી જઈ તેણે ગઈકાલે લહેર તળાવમાં ઝંપલાવી આ પગલું ભરી લીધું હોવાનું પોલીસ દ્વારા અનુમાન કરાયું છે. મૃતકના પિતરાઈભાઈ વગેરે આવી જતાં તેઓને મૃતદેહનો કબજો સોંપી દેવાયો છે.