આજે જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદી હુમલો થયો હતો. આતંકવાદીઓએ સીઆરપીએફ (CRPF) ના પેટ્રોલિંગ દળ પર ગોળીબાર કર્યો, જેમાં ત્રણ જવાનો ઘાયલ થયા છે. મળતી માહિતી અનુસાર, આજે બપોરે કુલગામ જિલ્લામાં એક ચેકપોઈન્ટ પર તૈનાત સીઆરપીએફ જવાનો પર અજાણ્યા હુમલાખોરોએ ગોળીબાર કર્યો, જેના પરિણામે સીઆરપીએફના ત્રણ જવાનો ઘાયલ થયા છે. આ ઘટના બપોરે લગભગ ૨:૧૫ વાગ્યે બની હતી.
અજાણ્યા હુમલાખોરો મોટરસાઇકલ પર આવ્યા હતા અને ગોળીબાર કર્યા બાદ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. ઘાયલ જવાનોને અનંતનાગ જિલ્લાની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ આતંકવાદી હુમલા બાદ સમગ્ર વિસ્તારને તાત્કાલિક કોર્ડન (ઘેરાબંધી) કરી દેવામાં આવ્યો હતો. સેના અને પોલીસે હુમલાખોરોની શોધખોળ શરૂ કરી દીધી છે અને તેમને શોધી કાઢવા માટે આસપાસના વિસ્તારોમાં પણ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યા છે.
નોંધનીય છે કે સપ્ટેમ્બર મહિનામાં જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં 'જૈશ'ના બે આતંકવાદીઓ માર્યા ગયા હતા, જ્યારે એક અન્યને પકડી પાડવામાં આવ્યો હતો. જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું હતું કે માર્યા ગયેલા બે આતંકવાદીઓની ઓળખ સદ્દામ અને મુસ્તફા તરીકે થઈ છે, જેઓ પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન 'જૈશ-એ-મોહમ્મદ' સાથે સંકળાયેલા હતા. તેમની પાસેથી એક AK એસોલ્ટ રાઈફલ, ચાર મેગેઝિન, એક M4 કાર્બાઈન, એક ગ્લોક પિસ્તોલ અને ચાર ગ્રેનેડ મળી આવ્યા હતા.