જેતપુર અને ગોંડલ પંથકમાંથી ઓવરલોડ ખનીજ ભરેલા ૩ વાહનો જપ્ત
જેતપુર અને ગોંડલ પંથકમાંથી ઓવરલોડ ખનીજ ભરેલા ૩ વાહનો જપ્ત
July 06, 2026 05:11 PM
રાજકોટ ભુસ્તરશાસ્ત્રી વિભાગની ટીમ દ્વારા ખનીજ ચોરી અને નિયમોના ઉલ્લંઘન સામે અવારનવાર કાર્યવાહી કરવામાં આવી હોય છે ત્યારે વધુ એક વખત સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન જેતપુર અને ગોંડલ પંથક વિસ્તારમાંથી નિયમ વિરુદ્ધ ખનીજ વહન કરતા કુલ ૩ વાહનોને ઝડપી લેવામાં આવ્યા છે, જેમાં ૨ ટ્રક અને ૧ ડમ્પરનો સમાવેશ થાય છે.
ભુસ્તરશાસ્ત્રી વિભાગને મળેલી ચોક્કસ બાતમીના આધારે ટીમ દ્વારા આ વિસ્તારોમાં વોચ ગોઠવવામાં આવી હતી. તપાસ દરમિયાન આ ત્રણેય વાહનો ખનીજ ભરેલા હોવાનું માલૂમ પડ્યું હતું. વાહનોની ઊંડાણપૂર્વક તપાસ કરતા સામે આવ્યું કે તેમાં ક્ષમતા કરતા પણ વધુ એટલે કે ઓવરલોડ મુદ્દામાલ ભરવામાં આવ્યો હતો. વાહનોમાં ઓવરલોડ ખનીજ ભરેલું હોવાથી ભુસ્તરશાસ્ત્રી વિભાગની ટીમે તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ સફળ ઓપરેશન અંતર્ગત તંત્ર દ્વારા ત્રણેય વાહનો સહિત કુલ રૂપિયા ૭૫ લાખની કિંમતનો મુદ્દામાલ સ્થળ પર જ સીઝ કરી દેવામાં આવ્યો છે. સરકારી નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરવા બદલ અને ઓવરલોડ વહન કરવા બદલ વાહન ચાલકો તેમજ માલિકો સામે દંડાત્મક કાર્યવાહી કરવા માટેની તજવીજ પણ શરૂ કરી દેવામાં આવી છે. આ કડક કાર્યવાહી રાજકોટ ભુસ્તરશાસ્ત્રી વિભાગના અધિકારી જે.આર. સવનેર ના માર્ગદર્શન હેઠળ રોયલ્ટી ઇન્સ્પેક્ટર કિશન રાણવા દ્વારા કરવામાં આવી છે. આ કાર્યવાહીથી સ્થાનિક સ્તરે ખનીજ વહન કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. આગામી દિવસોમાં પણ આ પ્રકારનું ચેકિંગ વધુ કડક બનાવવામાં આવશે તેમ જણાવવામાં મળ્યું છે.