BREAKING NEWS

રાજકોટ એસઓજીએ અમદાવાદ હાઈવે પરથી 4 રીઢા ગુનેગારો મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપ્યા

  • June 28, 2026 06:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરના યુવાધનને નશાના રવાડે ચડતું અટકાવવા અને નાર્કોટિક્સ પદાર્થોનું નેટવર્ક તોડી પાડવા માટે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા અને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ "SAY NO TO DRUGS" મિશન ચલાવવામાં આવી રહ્યું છે. આ મિશન અંતર્ગત રાજકોટ શહેર સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે એક મોટી સફળતા મેળવીને રાજકોટ-અમદાવાદ હાઈવે પરથી ૪ ઈસમોને કિંમતી મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે રંગેહાથ ઝડપી પાડ્યા છે.


એરપોર્ટ પોલીસ ચેકપોસ્ટ પાસે ગોઠવી વોચ: સ્વિફ્ટ કારમાંથી મળ્યો જથ્થો

એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટર એન.બી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.વી.જાડેજાની ટીમ આજે પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન સ્ટાફના હરદેવસિંહ, યોગરાજસિંહ અને અનોપસિંહને સંયુક્ત ચોક્કસ બાતમી મળી હતી કે હાઈવે પરથી ડ્રગ્સની હેરાફેરી થઈ રહી છે. આ બાતમીના આધારે પોલીસે રાજકોટ-અમદાવાદ હાઈવે પર નવાગામ બામણબોર જવાના જૂના રસ્તા પાસે, એરપોર્ટ પોલીસ સ્ટેશનની ચેકપોસ્ટ સામે વોચ ગોઠવી હતી. ત્યાંથી પસાર થતી શંકાસ્પદ સ્વિફ્ટ કારને આંતરી તપાસ કરતાં તેમાંથી માદક પદાર્થ મેફેડ્રોન મળી આવ્યો હતો, જેથી પોલીસે કારમાં સવાર ચારેય ઈસમોની અટકાયત કરી એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે.


પકડાયેલા આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ

પોલીસના હાથે ઝડપાયેલા ચારેય આરોપીઓ સામાન્ય મજૂરી અને ડ્રાઇવિંગની આડમાં ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા હતા અને તેમનો મોટો ગુનાહિત ભૂતકાળ છે

૧. વિનય રાજુભાઇ ઉકેડીયા (ઉ.વ.૨૭, રહે. માધાપર ચોકડી): તેની સામે અગાઉ હત્યા (૩૦૨), પ્રોહિબિશન, જુગાર અને મારામારી સહિતના ૧૦ જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે.

૨. હિતેષ ઉર્ફે હિતો સુનીલભાઈ ધામેલીયા (ઉ.વ.૨૫, રહે. રૈયાધાર): તેની સામે અગાઉ આર્મ્સ એક્ટ, મારામારી અને કૂવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટનો ગુનો નોંધાયેલો છે.

૩. ભવદિપ ઉર્ફે હાંડો પરેશભાઇ ડાભી (ઉ.વ.૨૪, રહે. રૈયાધાર): આ આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન (દારૂ) અને જી.પી. એક્ટ સહિતના રેકોર્ડબ્રેક ૧૮ ગુના નોંધાયેલા છે.

૪. વિશાલ રાજુભાઇ ગોહિલ (ઉ.વ.૨૧, રહે. માધાપર ચોકડી): ડ્રાઇવિંગ કરતા આ યુવક સામે અગાઉ મારામારી અને પ્રોહિબિશનના ૩ ગુના નોંધાયેલા છે.


કાર અને મોબાઈલ સહિત લાખોનો મુદ્દામાલ જપ્ત

એફ.એસ.એલ. અધિકારી સમીર જોષી દ્વારા કરવામાં આવેલા પ્રાથમિક પરીક્ષણ બાદ પોલીસે કુલ રૂ. ૫,૭૨,૫૬૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

માદક પદાર્થ મેફેડ્રોન: ૧૭.૫૨૦ ગ્રામ (કિંમત રૂ. ૫૨,૫૬૦/-)

મોબાઈલ ફોન: અલગ-અલગ કંપનીના ૪ ટચ સ્ક્રીન ફોન (કિંમત રૂ. ૨૦,૦૦૦/-)  

સ્વિફ્ટ કાર (GJ-03-NK-5795): કિંમત રૂ. ૫,૦૦,૦૦૦/-



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application