રાજકોટ રેલ્વે પોલીસ સ્ટેશનની ટીમે રેલ્વે સ્ટેશનો પર ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવાના ખાસ અભિયાન અંતર્ગત એક મોટી સફળતા મેળવી છે. ભક્તિનગર રેલ્વે સ્ટેશન ખાતે ચેકિંગ દરમિયાન પોલીસે એક ૬૫ વર્ષીય શંકાસ્પદ વૃદ્ધને આંતરીને તેની પાસેથી રૂ.૫૯,૨૭,૦૦૦ ની કિંમતના બિનહિસાબી સોના-ચાંદીના દાગીના, ટુકડા અને મોટી માત્રામાં રોકડ રકમનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. રેલ્વે પોલીસના આ ઓપરેશનને પગલે બે નંબરી નાણાંની હેરાફેરી કરનારા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે
રેલ્વે વરિષ્ઠ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પેટ્રોલીંગ દરમિયાન સફળતા
અધિક પોલીસ મહાનિર્દેશક (રેલ્વે) કે.એન.ડામોર, પશ્ચિમ રેલ્વે (અમદાવાદ)ના પોલીસ અધિક્ષક યશપાલ જગાણીયા તેમજ ઇન્ચાર્જ વિભાગીય અધિકારી અને પોલીસ ઇન્સપેક્ટર એચ.એમ.રાણાના માર્ગદર્શન હેઠળ રેલ્વે મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા ખાસ સૂચના આપવામાં આવી હતી. આ આદેશ અન્વયે રાજકોટ રેલ્વે પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ. બી.જે.જાડેજા, કે.યુ.વાળા તથા ભક્તિનગર આઉટપોસ્ટના સ્ટાફ સતત વોચમાં હતો. તે દરમિયાન ભક્તિનગર રેલ્વે સ્ટેશન પર પેટ્રોલીંગ કરી રહેલા આસી.સબ.ઇન્સ. હર્ષદભાઇ મેશવાણિયા, ઘનશ્યામભાઇ ચાવડા અને પો.કોન્સ. હાર્દિકભાઇ કાતરીયાને રાજકોટ-વેરાવળ ટ્રેનમાંથી ઉતરેલો એક ઇસમ શંકાસ્પદ જણાતાં તેને અટકાવવામાં આવ્યો હતો.
બેગમાંથી નીકળ્યા સોનાના ટુકડા, ડાયમંડ બ્રેસલેટ અને લાખોની રોકડ
પોલીસે જ્યારે આ શંકાસ્પદ ઇસમની પાસે રહેલી બેગની તલાશી લીધી, ત્યારે તેમાંથી કિંમતી કાગળો કે સામાનને બદલે લાખો રૂપિયાના સોના-ચાંદીના ઢાળીયા અને રોકડ રકમ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પકડાયેલા વૃદ્ધની ઓળખ ૬૫ વર્ષીય રસીકલાલ છોટાલાલ જગડા (રહે. તપેશ્વરમંદીર રોડ, 'સંતકૃપા સાગરકુંજ' મકાન, જુના કુંભારવાડા, વેરાવળ, જી. ગીર સોમનાથ) તરીકે થઈ છે
પોલીસે તેની પાસેથી કબજે કરેલો મુદ્દામાલ
ચાંદીના ઢાળીયા: કિંમત રૂ. ૪,૪૨,૦૦૦
સોનાના ટુકડા: કિંમત રૂ. ૩૪,૫૦,૦૦૦
સફેદ કલરના ડાયમંડ વાળુ બ્રેસલેટ: કિંમત રૂ. ૩,૮૦,૦૦૦
બેલ્ટ વાળુ સોનાનું બ્રેસલેટ: આશરે કિંમત રૂ. ૧,૫૦,૦૦૦
રોકડા રૂપીયા: કુલ રૂ. ૧૪,૮૫,૦૦૦
કુલ જપ્ત મુદ્દામાલ: રૂ. ૫૯,૨૭,૦૦૦