સામાન્ય જનતા માટે મોંઘવારીનો વધુ એક મોટો આંચકો સામે આવ્યો છે. દેશની અગ્રણી ડેરી બ્રાન્ડ 'અમૂલ' દ્વારા દૂધના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. સતત વધી રહેલા ઉત્પાદન ખર્ચ અને પશુપાલકોને આપવામાં આવતા વળતરમાં વધારાને કારણે અમૂલ મેનેજમેન્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. દૂધના નવા ભાવ આવતીકાલથી જ અમલમાં આવી જશે, જેના કારણે આતિ ગૃહિણીઓનું બજેટ ખોરવાવાની પૂરી શક્યતા રહેલી છે.
આ નવા ભાવવધારા મુજબ, અમૂલ ગોલ્ડ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ. 4નો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે અમૂલ તાજા દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.2નો વધારો કરવામાં આવ્યો છે. દૂધ એ દરેક પરિવારની રોજિંદી જરૂરિયાત છે, ત્યારે અચાનક કરવામાં આવેલા આ ભાવવધારાથી દૈનિક વપરાશના ખર્ચમાં સીધો વધારો થશે.
ચા-કોફીથી લઈને દૂધની બનાવટો અને મિઠાઈઓના ભાવ પર પણ આની માઠી અસર જોવા મળી શકે છે.
ડેરી સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક સમયથી પશુઓના ચારાના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. આ ઉપરાંત ઈંધણ અને પરિવહન ખર્ચ પણ વધ્યો છે. પશુપાલકોને યોગ્ય ભાવ મળી રહે અને દૂધ ઉત્પાદનનું ચક્ર જાળવી શકાય તે માટે દૂધના ભાવમાં સુધારો કરવો અનિવાર્ય બની ગયો હતો. કંપનીનું કહેવું છે કે ગ્રાહકો પાસેથી મળતી રકમનો મોટો હિસ્સો સીધો દૂધ ઉત્પાદક પશુપાલકો સુધી પહોંચાડવામાં આવે છે.
જોકે, સતત વધી રહેલી મોંઘવારી વચ્ચે દૂધ જેવી પ્રાથમિક જરૂરિયાતની વસ્તુ મોંઘી થતાં સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. પેટ્રોલ-ડીઝલ, શાકભાજી અને અન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ પહેલેથી જ આસમાને છે, ત્યારે અમૂલ દૂધના ભાવવધારાએ સામાન્ય નાગરિકોના ખિસ્સા પર વધારાનો બોજ નાખી દીધો છે. આવતીકાલ સવારથી ગ્રાહકોએ ડેરી પાર્લર અને દુકાનો પરથી નવા ભાવ મુજબ જ દૂધ ખરીદવું પડશે.