જામનગરમાં એનાલોગ પનીર-ચીઝ-બટર સહિત વાસી ખોરાકનો ૪૫૪ કીલો જથ્થો જપ્ત
ફુડ એન્ડ ડ્રગ વિભાગની કાર્યવાહી, આગામી દીવસોમાં ચેકીંગ ચાલુ રહેશે
જિલ્લામાં કુલ ૧૨૧ પેઢીમાં તપાસ, રૂ.૬૩૧૦૦ના અખાઘ જથ્થાનો નાશ
જામનગર જિલ્લામાં પ્રતિબંધિત એનાલોગ પનીર, ચીઝ, બટર સહીત વાસી ખોરાકનો ૪૫૪ કીલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ફુડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા કુલ ૧૨૧ પેઢીઓમાં તપાસ કરી રૂ.૬૩૧૦૦ ના અખાધ જથ્થાનો નાશ કરાયો હતો. આગામી દીવસોમાં આ ચેકીંગ કાર્યવાહી હજુ ચાલુ રહેશે.
ગુજરાત સરકાર દ્વારા એનાલોગ પનીર, એનાલોગ ચીઝ અને એનાલોગ બટરના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ તથા પરિવહન પર મુકાયેલા પ્રતિબંધ અન્વયે જામનગર જિલ્લામાં ખોરાક અને ઔષધ નિયમન વિભાગ દ્વારા તા. ૦૬ થી ૧૨ ઓગસ્ટ સુધી કુલ ૧૨૧ પેઢીઓમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં ૪૪.૦૨ કિલો એનાલોગ ચીઝ, ૪.૫ કિલો એનાલોગ પનીર, ૬.૫ કિલો અખાદ્ય પનીર અને તેમજ અન્ય ૪૦૦ કિલોગ્રામ વાસી ખોરાક મળી અંદાજીત રૂ. ૬૩,૧૦૦ની કિંમતના અખાદ્ય જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે આ અંગેની તપાસ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. જો કોઈ પણ પેઢી કે વેપારી દ્વારા પ્રતિબંધિત એનાલોગ પનીર,એનાલોગ ચીઝ કે એનાલોગ બટરનું ઉત્પાદન, સંગ્રહ,વેચાણ કે પરિવહન કરતા જણાશે તો તેમની સામે કાયદા અનુસાર કડક કાર્યવાહી કરવામાં આવશે. જેની સંબંધિત સર્વેને નોંધ લેવા યાદીમાં જણાવાયું છે.