દ્વારકા જિલ્લામાં રાષ્ટ્રીય લોકઅદાલતમાં ૪૮૯પ કેસોનો સુખદ નિકાલ
એક જ દિવસમાં પેન્ડિંગ કેસોમાં ૨૮.૫૪ ટકાનો મોટો ઘટાડો
દેવભૂમિ દ્વારકા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને જિલ્લા અદાલત દ્વારા ગત શનિવાર, ૧૧ જુલાઈ ૨૦૨૬ના રોજ સમગ્ર જિલ્લાની અદાલતોમાં વર્ષ ૨૦૨૬ની દ્વિતીય રાષ્ટ્રીય લોક-અદાલત તેમજ સ્પેશિયલ મેજિસ્ટ્રેટ સીટિંગનું ભવ્ય અને સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ઉચ્ચ ન્યાયિક વડાઓના માર્ગદર્શન અને સીધી દેખરેખ હેઠળ યોજાયેલી આ લોક-અદાલતમાં એક જ દિવસમાં કરોડો પિયાના હુકમો સાથે કુલ ૪૮૯૫ કેસોનો સુખદ અને સમાધાનકારી નિકાલ લાવવામાં આવ્યો છે.
આ ઐતિહાસિક સફળતાને પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લાની અદાલતોમાં વર્ષોથી લંબિત (પેન્ડિંગ) કેસોની કુલ સંખ્યામાં એક જ દિવસમાં ૨૮.૫૪ ટકાનો નોંધપાત્ર અને મોટો ઘટાડો નોંધાયો છે, જે ન્યાયિક ઇતિહાસમાં એક મોટી સિદ્ધિ સમાન છે. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવની સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર, આ લોક-અદાલતમાં કુલ રૂપિયા ૫,૨૧,૮૮,૯૫૯ ની માતબર રકમના આખરી હુકમો કરવામાં આવ્યા છે.
આ લોક-અદાલતમાં અદાલતોમાં ચાલી રહેલા વિવિધ પ્રકારના સમાધાન લાયક સિવિલ અને ફોજદારી કેસો પૈકી કુલ ૨૭૫૦ કેસો સુનાવણી પર મૂકવામાં આવ્યા હતા, જેમાંથી રેકોર્ડબ્રેક ૨૭૩૧ કેસોનો પરસ્પર સંમતિ અને સમાધાન દ્વારા નિકાલ કરાયો હતો અને તેના ભાગરૂપે કુલ રૂપિયા ૪,૨૭,૦૭,૧૭૬ ના હુકમો જાહેર કરાયા હતા.
આ ઉપરાંત, ભવિષ્યમાં થનારી કાનૂની તકરારો અટકાવવાના હેતુથી પ્રિ-લિટિગેશન કેસો માટે પણ ખાસ વ્યવસ્થા ઊભી કરાઈ હતી, જેમાં વીજ કંપનીના બાકી લેણાં, ટ્રાફિક ચલણ, બેંક રિકવરી અને વૈવાહિક વિવાદોને લગતા કુલ ૩૪૫૨ કેસોમાંથી ૨૧૬૪ કેસોમાં પક્ષકારો વચ્ચે સુખદ સમાધાન સાધીને રૂપિયા ૯૪,૮૧,૭૮૩ ની દાવા રકમનો નિકાલ કરવામાં આવ્યો હતો.
સમગ્ર જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પણ આ ઝુંબેશને વ્યાપક પ્રતિસાદ સાંપડ્યો હતો, જેમાં તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારકા દ્વારા સૌથી વધુ ૬૬૪ કેસો, કલ્યાણપુર દ્વારા ૫૦૦ કેસો, ભાણવડ દ્વારા ૩૬૮ કેસો અને ઓખા સમિતિ દ્વારા ૨૭૫ કેસોનો સફળતાપૂર્વક નિકાલ લાવી પક્ષકારોને કોર્ટ-કચેરીના લાંબા ચક્કરમાંથી મુક્તિ અપાવી સસ્તો અને ઝડપી ન્યાય પૂરો પાડવામાં આવ્યો હતો.