BREAKING NEWS

ભારતમાં ૬૦ ટકા લોકો બીજા પર વિશ્વાસ કરતા નથી, શિક્ષિત લોકો વધુ શંકાશીલ, રિસર્ચમાં ચોંકવનારો ખુલાસો

  • December 23, 2025 12:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પ્યૂ રિસર્ચ સેન્ટરના 2025ના ગ્લોબલ એટીટ્યુડ સર્વે રિપોર્ટમાં ભારત વિશે એક મહત્વપૂર્ણ બાબત સામે આવી છે. રિપોર્ટ અનુસાર, ભારતમાં લોકો વચ્ચેનો સામાજિક વિશ્વાસ હજુ પણ ઓછો છે. સર્વેમાં ભાગ લીધેલા 60 ટકા ભારતીયોએ કહ્યું કે “મોટાભાગના લોકો પર વિશ્વાસ કરી શકાતો નથી”, જ્યારે ફક્ત 38 ટકા લોકોએ માન્યું કે લોકો પર વિશ્વાસ કરી શકાય છે.


આ આંકડા જો વૈશ્વિક સરખામણીમાં જોઈએ તો ભારતની સ્થિતિ મિશ્ર જોવા મળે છે. મધ્યમ આવક ધરાવતા દેશોમાં સરેરાશ માત્ર 27 ટકા લોકો અન્ય લોકો પર વિશ્વાસ કરે છે. આ દ્રષ્ટિએ ભારતનો 38 ટકાનો આંકડો થોડો સારો કહેવાય. પરંતુ ઉચ્ચ આવક ધરાવતા દેશોમાં સરેરાશ 59 ટકા લોકો સામાજિક વિશ્વાસ વ્યક્ત કરે છે, જેની સામે ભારત ઘણું પાછળ છે.


રિપોર્ટમાં એક રાહતજનક વાત પણ સામે આવી છે. ગયા વર્ષે ભારતમાં અન્ય લોકો પર વિશ્વાસ કરનારા લોકોની સંખ્યા 31.7 ટકા હતી, જે હવે વધીને 38 ટકા થઈ ગઈ છે. એટલે કે વિશ્વાસમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે, જે સકારાત્મક સંકેત માનવામાં આવે છે.


આ સર્વેમાં 25 દેશોના પુખ્ત વયના લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ભારત માટે એક રસપ્રદ અને ચોંકાવનારી બાબત એ છે કે અહીં શિક્ષિત વર્ગમાં અવિશ્વાસ વધુ જોવા મળે છે. સામાન્ય રીતે ઉચ્ચ આવક ધરાવતા દેશોમાં વધુ શિક્ષણ ધરાવતા લોકો અન્ય લોકો પર વધારે વિશ્વાસ કરે છે. પરંતુ ભારતમાં તેનું ઉલટું વલણ જોવા મળે છે.


સર્વે મુજબ, ઉચ્ચ શિક્ષણ ધરાવતા લોકોમાંથી 34 ટકા લોકો માને છે કે અન્ય લોકો પર વિશ્વાસ કરી શકાતો નથી. જ્યારે ઓછું શિક્ષણ ધરાવતા લોકોમાં આ આંકડો 41 ટકા છે. આથી સ્પષ્ટ થાય છે કે ભારતમાં શિક્ષણ અને સામાજિક વિશ્વાસ વચ્ચેનો સંબંધ થોડો જુદો છે.


વૈશ્વિક સ્તરે જોવામાં આવે તો મધ્યમ આવક ધરાવતા દેશોમાં ભારત ઇન્ડોનેશિયા કરતા પાછળ છે, જ્યાં 53 ટકા લોકો અન્ય લોકો પર વિશ્વાસ કરે છે. બીજી તરફ, ઉચ્ચ આવક ધરાવતા દેશો જેમ કે સ્વીડન (83 ટકા), નેધરલેન્ડ્સ (79 ટકા) અને કેનેડા (73 ટકા)માં સામાજિક વિશ્વાસ ખૂબ જ ઊંચો છે. આ રિપોર્ટ દર્શાવે છે કે ભારતમાં લોકો વચ્ચે વિશ્વાસ વધારવા માટે સામાજિક જોડાણ, પારદર્શિતા અને પરસ્પર સમજ વધારવાની જરૂર છે. વિશ્વાસ મજબૂત બનશે તો સમાજ વધુ એકજૂટ અને મજબૂત બની શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application