કચ્છના ભચાઉમાં આજે વહેલી સવારે દુર્ઘટના સર્જાઈ હતી. ગાંધીધામથી મોરબી તરફ જતું એલપીજી ગેસ ભરેલું ટેન્કર પલ્ટી જતા બ્લાસ્ટ થયો હતો. આથી વિકરાળ આગ લાગી હતી અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બાજુમાં આવેલી હોટલમાં પાર્ક કરેલા 7 વાહનો પણ આ ભીષણ આગની ચપેટમાં આવતા ભસ્મીભૂત થઈ ગયા હતા. આ ઘટનાને લઈને હાઈવે પર 10 કિમી જેટલો લાંબો ટ્રાફિકજામ થઈ ગયો હતો. આ ઘટનામાં ટેન્કર ચાલકનું મોત નીપજ્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ ગાંધીધામથી એલપીજી ગેસ ભરીને મોરબી તરફ જઇ રહેલું ટેન્કર કચ્છના સુરજબારી હાઇવે પર વહેલી સવારે પલટી ગયું હતું. ટેન્કર પલટી જતાં એમાં આગ લાગી ગઈ હતી. થોડીવાર બાદ ટેન્કરમાં અચનાક ધકાડા સાથે બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે ટેન્કરના સ્પેરપાર્ટ એકથી બે કિલોમીટર સુધી ઉડીને વિખેરાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં ટેન્કરનો ચાલક હજી લાપત્તા અને તેના મોતની આશંકા સેવાઇ રહી છે.
ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. આ દરમિયાના હાઇવે પર ટ્રાફિકજામથી વાહનોના થપ્પા લાગી ગયા હતા. જ્યારે બે ત્રણ કિમી દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ભચાઉ ફાયર વિભાગની ટીમ સાથે ખાનગી એકમના ફાયર ફાયટરોએ સતત ત્રણ કલાક જેટલો સમય પાણીનો મારો ચલાવીને સવારે 8 વાગ્યાના અરસામાં આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો. જ્યારે હાઇવે પેટ્રોલિંગ ટીમ અને સામખિયાળી પોલીસ ટ્રાફિક નિયંત્રણની કામગીરી કરી હતી.
સામખિયાળી પોલીસના જણાવ્યા અનુસાર પ્રાથમિક માહિતી મુજબ આ ઘટના આજે પરોઢિયે લગભગ 4થી 5 વાગ્યાના અરસામાં બની હતી. એલપીજી ટેન્કર પલટી જતા તેમાં પ્રથમ આગ લાગી હતી અને 15થી 20 મિનિટ બાદ ટેન્કરમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. આગ લાગેલા ટેન્કરમાં બ્લાસ્ટ થતાં તેની જ્વાળાઓ નજીકની હોટેલમાં પાર્ક કરેલા સાત જેટલા વાહનોમાં પહોંચી હતી અને તેમાં પણ આગ ફાટી નીકળી હતી. હાલ આગળની તપાસ કરવામાં આવી રહી છે.
વહેલી સવારે 5 વાગ્યેને 12 મિનિટે કોલ મળ્યોઃ ફાયર વિભાગ
ભચાઉના ફાયર વિભાગના જણાવ્યા અનુસાર વહેલી સવારે 5 વાગ્યેને 12 મિનિટે કોલ મળ્યો હતો કે ભચાઉના જૂના કટારીયાની બાજુમાં ગેસ ભરેલું ટેન્કર પલટી જતા આગ લાગી છે. જેથી રી ટીમ દોડી આવી હતી અને જોયુ તો વિકરાળ આગ લાગેલી હતી. ટેન્કરના સ્પેરપાર્ટસ અડધો કિલોમીટર દૂર જોવા મળ્યા હતા. મોરબીના ચીફ ફાયર ઓફિસર જે. એચ. ડાભીએ જણાવ્યું કે, અમને પાંચ વાગ્યા આજુબાજુ ભચાઉ ફાયર રુમથી ફોન મળ્યો હતો અને અમને માહિતી આપતાં કુલ ચાર જગ્યાએથી ફાયર બ્રિગેડની ટીમ બોલાવવામાં આવી હતી. ટ્રાફિકજામના હિસાબે મોરબીથી આવતા અમને મોડુ થયું હતું. જોકે, આગ સંપૂર્ણ કાબૂમાં આવી ગઈ છે.