BREAKING NEWS

જમ્મુ-કાશ્મીરમાં બે SPO જવાનોની ગોળી મારી હત્યા, જંગલ વિસ્તારમાંથી મળ્યા મૃતદેહ

  • November 12, 2026 11:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)





જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ચિંતાજનક ઘટના સામે આવી છે. મારવાહના દેહરના જંગલ વિસ્તારમાં ગોળીબારનો અવાજ સંભળાયા બાદ ગુમ થયેલા બે સ્પેશિયલ પોલીસ ઓફિસર (SPO)ના મૃતદેહ મળી આવ્યા છે. બંને જવાનોના શરીર પર ગોળીના નિશાન જોવા મળ્યા છે. શહીદ થયેલા જવાનોની ઓળખ ઋષિપાલ અને બોબી ચંદ તરીકે થઈ છે. બંને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)નો હિસ્સો હતા.

મળતી માહિતી મુજબ, બંને જવાનો કિયાર દચ્છનથી અપર રિઝ દેહરનાના ઇંદરવન વિસ્તારમાં આવેલા બસનાન ખાતે તૈનાત આર્મીની 17 રાષ્ટ્રીય રાઇફલ્સની ટીમને રિલીવ કરવા જઈ રહ્યા હતા. જોકે, તેઓ નિર્ધારિત સ્થળે પહોંચ્યા નહોતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, બંને SPO કિયાર કેમ્પથી ઢારના-મારવાહ સ્થિત સેનાની ચોકી તરફ રવાના થયા હતા, પરંતુ રસ્તામાં જ ગુમ થઈ ગયા હતા.

શરૂઆતમાં બંનેના મોબાઇલ ફોન પર સંપર્ક થઈ રહ્યો હતો, પરંતુ થોડા સમય બાદ ફોન બંધ થઈ ગયા હતા. જેના કારણે તેમની સુરક્ષા અને લોકેશન અંગે ચિંતા વધી હતી. ત્યારબાદ પોલીસ અને સેનાએ સંયુક્ત રીતે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. હવે શોધખોળ દરમિયાન બંનેના મૃતદેહ મળી આવ્યા છે.

સર્વિસ હથિયારો ગાયબ હોવાથી આતંકી કનેક્શનની આશંકા

અધિકારીઓના જણાવ્યા મુજબ, મૃતક બંને જવાનોના સર્વિસ હથિયારો પણ મળી આવ્યા નથી. આ બાબતને ધ્યાનમાં રાખીને ઘટનામાં આતંકવાદીઓની સંડોવણી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, તપાસ પૂર્ણ થયા બાદ જ ઘટનાનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે.

દુર્ગમ જંગલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન

બંને જવાનો ગુમ થયાની જાણ થતાં જ પોલીસ અને સેનાની રાષ્ટ્રીય રાઇફલ્સની ટીમોએ આસપાસના વિસ્તારોમાં વ્યાપક શોધખોળ શરૂ કરી હતી. દુર્ગમ પહાડી અને જંગલ વિસ્તારોમાં સુરક્ષા દળોની અલગ-અલગ ટીમો તૈનાત કરવામાં આવી હતી. જવાનો ક્યાં અને કયા સંજોગોમાં ગુમ થયા હતા તે જાણવા માટે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ ઘટનાએ કિશ્તવાડ જિલ્લાના સુરક્ષા માહોલ અંગે ફરી ચિંતા ઊભી કરી છે. આ પહાડી જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોમાં આતંકવાદ સંબંધિત અનેક ઘટનાઓ બની ચૂકી છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ જમ્મુ-કાશ્મીરના કુલગામમાં CRPF કેમ્પ પર થયેલા હુમલામાં ત્રણ જવાનો ઘાયલ થયા હતા. આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા. CRPFના જણાવ્યા અનુસાર, નાકા પર ફરજ બજાવી રહેલા સુરક્ષાકર્મીઓ પર મોટરસાઇકલ સવાર અજાણ્યા હુમલાખોરોએ ગોળીબાર કર્યો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application