સુપ્રીમ કોર્ટે વિદેશમાં સ્થાયી થયેલા ભારતીયોના લગ્નજીવન અને છૂટાછેડાને લઈને એક અત્યંત મહત્ત્વનો અને સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, ભારતમાં થયેલા લગ્નોમાં વિદેશના ઉદાર કાયદાઓનો લાભ કે દુરુપયોગ કરીને મેળવેલા છૂટાછેડા ભારતીય કાયદા હેઠળ માન્ય ગણાશે નહીં. જો કોઈ વ્યક્તિ આવા અમાન્ય વિદેશી ડિવોર્સના આધારે બીજા લગ્ન કરે છે, તો તેની સામે ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 494 હેઠળ 'દ્વિ-વિવાહ' (બીજા લગ્ન કરવા)નો ફોજદારી ગુનો દાખલ થઈ શકે છે, પછી ભલે તે વ્યક્તિએ વિદેશી નાગરિકતા કેમ ન મેળવી લીધી હોય.
ઘણા કિસ્સાઓમાં એવું જોવા મળે છે કે વિદેશમાં રહેતા કેટલાક પુરુષો પોતાની પત્નીની સંમતિ વગર જ, માત્ર 'લગ્ન સંબંધ કાયમ માટે તૂટી ગયો છે' તેવા બહાના હેઠળ વિદેશી અદાલતોમાંથી એકતરફી છૂટાછેડા મેળવી લે છે અને ત્યારબાદ બીજા લગ્ન કરી લે છે. આ પ્રથા સામે લાલ આંખ કરતા જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રા અને જસ્ટિસ શ્રી ચંદ્રશેખરની બેન્ચે એક પતિ વિરુદ્ધ બીજા લગ્ન કરવા બદલ ચાલતી ફોજદારી કાર્યવાહીને યોગ્ય ઠેરવી છે. અદાલતે નોંધ્યું કે, ભારતીય લગ્ન કાયદામાં માત્ર 'લગ્ન સંપૂર્ણપણે ભાંગી પડવા'ને છૂટાછેડાનો માન્ય આધાર ગણવામાં આવતો નથી. તેથી, જે આધારને ભારતમાં કાયદાકીય સ્વીકૃતિ નથી, તેના પર વિદેશી કોર્ટે આપેલો છૂટાછેડાનો હુકમ ભારતમાં લાગુ પડી શકે નહીં અને પહેલો વૈવાહિક સંબંધ કાયમ જ ગણાય છે.
સુપ્રીમ કોર્ટની ખંડપીઠે કાયદાકીય પાસાઓ સ્પષ્ટ કરતા જણાવ્યું કે, આ પ્રકારનો વિદેશી નિર્ણય સિવિલ પ્રોસિજર કોડ (CPC)ની કલમ 13ની શરતોનું સ્પષ્ટ ઉલ્લંઘન કરે છે. કોઈપણ વિદેશી અદાલતના ચુકાદાને ભારતમાં માન્ય રાખવા માટે સીપીસીની કલમ 13ની જોગવાઈઓનું પાલન થવું અનિવાર્ય છે. જો વિદેશી ડિવોર્સ આ શરતોને પૂર્ણ ન કરતો હોય, તો પતિ એવો દાવો કરી શકે નહીં કે તેના પ્રથમ લગ્નનો અંત આવી ગયો છે. આ સંજોગોમાં પહેલી પત્ની હયાત હોવા છતાં બીજા લગ્ન કરવા બદલ તે વ્યક્તિ આઈપીસીની કલમ 494 હેઠળની સજામાંથી બચી શકે નહીં.
આ કેસમાં આરોપી પતિએ એવી દલીલ કરી હતી કે તેણે જ્યારે બીજા લગ્ન કર્યા ત્યારે તે બ્રિટિશ નાગરિક બની ચૂક્યો હતો અને બીજા લગ્નની વિધિ પણ ભારતની બહાર વિદેશમાં થઈ હતી, તેથી આઈપીસીની કલમ 4 મુજબ તેના પર ભારતમાં કેસ ન ચાલી શકે. જોકે, સુપ્રીમ કોર્ટે આ દલીલને સદંતર ફગાવી દીધી હતી. અદાલતે કહ્યું કે, પતિએ પ્રથમ લગ્ન ભારતમાં રહીને હિન્દુ રીતિ-રિવાજો મુજબ કર્યા હતા. ભવિષ્યમાં નાગરિકતા બદલી નાખવાથી પ્રથમ લગ્ન સાથે જોડાયેલી કાનૂની જવાબદારીઓ નષ્ટ થઈ જતી નથી. દ્વિ-વિવાહના ગુનાની તપાસ માત્ર બીજા લગ્નના સ્થળ પૂરતી સીમિત ન રાખી શકાય, પરંતુ તેમાં અગાઉના લગ્નની પવિત્રતા અને કાયદેસરતાને પણ કેન્દ્રમાં રાખવી જરૂરી છે. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી વિદેશમાં જઈને એકતરફી છૂટાછેડા લઈ પત્નીઓને તરછોડી દેતા પતિઓ સામે કાયદાકીય ગાળિયો વધુ મજબૂત બન્યો છે.