BREAKING NEWS

ખાવા અને રહેવાના પૈસા નથી...મિડલ ઈસ્ટમાં યુદ્ધથી ગુજરાતના 700 લોકો મક્કામાં ફસાયા, ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યાં

  • March 01, 2026 03:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

28 ફેબ્રુઆરીના રોજ ઈઝરાયેલ દ્વારા ઈરાનના તેહરાન સહિતના શહેરો પર કરવામાં આવેલા હુમલા બાદ સમગ્ર મધ્ય એશિયા યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયું છે. વળતા જવાબમાં ઈરાને કતાર, બહેરીન અને કુવૈત જેવા સાત દેશો પર 400થી વધુ મિસાઈલો છોડતા સ્થિતિ અત્યંત સ્ફોટક બની છે. આ વૈશ્વિક સંકટની સૌથી મોટી અસર પવિત્ર રમઝાન માસમાં ઉમરાહની બંદગી કરવા ગયેલા ગુજરાતી યાત્રાળુઓ પર પડી છે.

એરસ્પેસ બંધ: એવિએશન સેક્ટરમાં મચેલી તબાહી

ઈરાન અને દુબઈના એરસ્પેસ પર પ્રતિબંધો મુકાતા વૈશ્વિક હવાઈ વ્યવહાર ખોરવાયો છે.

ફ્લાઈટ રદ: ભારતની પશ્ચિમ એશિયા સાથે જોડતી 400થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે.

એરલાઇન્સની સ્થિતિ: ઈન્ડિગો જેવી મોટી કંપનીઓએ અલ્માટી, તાશ્કંદ અને બાકુ જેવી ફ્લાઈટ્સ 28 માર્ચ સુધી સસ્પેન્ડ કરી દીધી છે.

કોરિડોર અસરગ્રસ્ત: ગલ્ફ રિજન જે એશિયા, યુરોપ અને આફ્રિકાને જોડતો મુખ્ય કોરિડોર છે, ત્યાં દરરોજની 2000 ફ્લાઈટ્સનું સંચાલન ખોરવાતા હજારો મુસાફરો એરપોર્ટ પર અટવાયા છે.


મક્કા-મદીનામાં ફસાયેલા ગુજરાતીઓની વ્યથા

વડોદરાના યાત્રાળુ ફારૂક સોનીએ મક્કાથી મોકલેલા વીડિયો સંદેશમાં જણાવ્યું કે, હાલ ગુજરાતના અંદાજે 700થી 800 લોકો મક્કામાં છે. બહેરીન અને તેની આસપાસના વિસ્તારોમાં થયેલા બ્લાસ્ટને કારણે યાત્રાળુઓમાં ભારે ફફડાટ છે.


બીજી તરફ, અમદાવાદના 55 જેટલા યાત્રિકો મક્કા-મદીનામાં ગંભીર સ્થિતિમાં મુકાયા છે. ફ્લાઈટ રદ થતા તેમને એરપોર્ટથી પરત હોટલ મોકલી દેવાયા છે. આ યાત્રિકો પાસે હવે પૂરતા પૈસા પણ બચ્યા નથી અને હોટલના ખર્ચ તેમજ વતન પરત ફરવાની અનિશ્ચિતતાએ તેમની ચિંતામાં વધારો કર્યો છે. આખી રાત જાગીને વતનની રાહ જોતા આ પરિવારો હવે ભારત સરકાર પાસે 'રેસ્ક્યુ' કરવાની માંગ કરી રહ્યા છે.


દુબઈમાં રાજકોટના પરિવારો ચિંતિત

દુબઈમાં વસતા અને ફરવા ગયેલા રાજકોટના પરિવારો પણ મુશ્કેલીમાં છે. જયંતભાઈ ભૂભતાણીના પુત્ર જયમીન અને તેમનો પરિવાર ત્યાં અટવાયો છે. જોકે તેઓ વીડિયો કોલથી સંપર્કમાં છે, પરંતુ સતત ચાલુ બોમ્બમારા અને મિસાઈલ હુમલાના અહેવાલોએ વતનમાં રહેલા પિતાની ઊંઘ હરામ કરી દીધી છે.


માંગ

રવિવારે સતત બીજા દિવસે પણ અમેરિકા અને ઈઝરાયેલના હુમલા ચાલુ રહેતા મિડલ ઈસ્ટમાં શાંતિની સંભાવના હાલ ઓછી જણાઈ રહી છે. ફસાયેલા ગુજરાતીઓ અને તેમના પરિવારજનોની એક જ માંગ છે કે ભારત સરકાર તાત્કાલિક હસ્તક્ષેપ કરે અને વિશેષ વિમાનોની વ્યવસ્થા કરી તમામ નાગરિકોને સુરક્ષિત રીતે ભારત પરત લાવે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application