BREAKING NEWS

રાજકોટમાં સ્વાતંત્ર્ય પર્વની દબદબાભેર ઉજવણી: અટલ સરોવર, ચૌધરી હાઈસ્કૂલ અને પોલીસ હેડક્વાર્ટરમાં ગુંજ્યો રાષ્ટ્રભક્તિનો નાદ

  • August 15, 2026 01:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દેશભરમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણીનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે રાજકોટ શહેર અને સમગ્ર જિલ્લો પણ રાષ્ટ્રભક્તિના અનોખા રંગમાં રંગાઈ ગયો છે. રાજકોટ શહેરના પોલીસ હેડ ક્વાર્ટર, ચૌધરી હાઈસ્કૂલના મેદાન તેમજ જિલ્લા કક્ષાના મુખ્ય કાર્યક્રમમાં ગોંડલ ખાતે આનબાનશાન સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવી તિરંગાને સલામી આપવામાં આવી હતી. આ તમામ કાર્યક્રમોમાં ધ્વજવંદન પૂર્વે ઉપસ્થિત જનમેદની દ્વારા 'વંદે માતરમ'નું સમૂહ ગાન કરવામાં આવ્યું હતું, જેનાથી સમગ્ર વાતાવરણ દેશભક્તિસભર બની ગયું હતું.

રાજકોટ શહેર પોલીસ હેડ ક્વાર્ટરના પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં સવારે ૯ વાગ્યે રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપવામાં આવી હતી. આ પ્રસંગે પોલીસની જુદી-જુદી ૯ શિસ્તબદ્ધ પ્લાટુન દ્વારા આકર્ષક પરેડ યોજી રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી. ધ્વજવંદન બાદ પોલીસ કમિશનરે ખુલ્લી જીપમાં પરેડનું નિરીક્ષણ કર્યું હતું. આ સિવાય, શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવીને ગુનાખોરી મુક્ત વાતાવરણ ઊભું કરવામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને પદકો અને પ્રશંસાપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન મીડિયા સાથેની વાતચીતમાં પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ એક મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા માટે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા બે નવા પોલીસ સ્ટેશનને મંજૂરી આપવામાં આવી છે. આજીડેમ પોલીસ સ્ટેશન હેઠળ આવતો સરધાર વિસ્તાર મુખ્યાલયથી દૂર પડતો હોવાથી તેને નવું 'સરધાર પોલીસ સ્ટેશન' જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, ગાંધીગ્રામ અને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના વિસ્તારોમાંથી અમુક ભાગો છૂટા પાડીને નવું 'માધાપર પોલીસ સ્ટેશન' બનાવવામાં આવશે. હાલ રાજકોટ શહેરમાં ૧૫ પોલીસ સ્ટેશનો કાર્યરત છે, જે નવા બે પોલીસ સ્ટેશનો ઉમેરાતા વધીને ૧૭ થશે. આ નવા પોલીસ સ્ટેશનોને વહેલી તકે ધમધમતા કરવાની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેર કક્ષાની મુખ્ય ઉજવણી સવારે ૯ વાગ્યે અટલ સરોવર ખાતે રાખવામાં આવી હતી, જ્યાં રાજકોટના મેયર ડો. નેહલ શુક્લાના વરદ હસ્તે ધ્વજવંદન સંપન્ન થયું હતું. રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ મેયર ડો. નેહલ શુક્લાએ નાગરિકોને સ્વાતંત્ર્ય દિવસની શુભકામનાઓ પાઠવતું પ્રજાજોગ ઉદબોધન કર્યું હતું. બીજી તરફ, ચૌધરી હાઈસ્કૂલના મેદાન ખાતે અધિક કલેક્ટર દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ સિવાય શહેરની તમામ સરકારી અને ખાનગી શાળા-કોલેજોમાં પણ વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો, દેશભક્તિના નાટકો અને ગીતો સાથે 80મા સ્વાતંત્ર્ય પર્વની ભાવસભર ઉજવણી કરવામાં આવી હતી.

પોલીસ હેડ ક્વાર્ટર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજકોટ શહેર પોલીસના શ્વાન દળ (ડોગ સ્કવોડ) દ્વારા રજૂ કરવામાં આવેલા વિવિધ કરતબો આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યા હતા. કોઈ વાહનમાં માદક પદાર્થ કે ગેરકાયદે સામગ્રી છુપાવેલી હોય તો તેને કેવી રીતે શોધી કાઢવી તેનું આબેહૂબ પ્રાક્ષિણક બતાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત, વાહન ચેકિંગ દરમિયાન જો કોઈ ગુનેગાર પોલીસ કર્મચારીને ધક્કો મારીને ભાગી છૂટે તો શ્વાન તેને કેવી રીતે શોધીને ઝડપી પાડે છે તેનું દર્શન કરાવતા ઉપસ્થિત નાગરિકો અને બાળકોએ તાળીઓના ગડગડાટથી શ્વાન દળને બિરદાવ્યું હતું. આ કાર્યક્રમના અંતમાં નાના બાળકો દ્વારા દેશભક્તિના ગીતો પર વિવિધ નૃત્યો અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application