જામનગરમાં શ્રાવણી લોકમેળાના મોટા આઠ પ્લોટના ટેન્ડરનું કોકડું ગુંચવાયું..!
સીંગલ ટેન્ડર, અપૂરતા દસ્તાવેજોની ચર્ચા વચ્ચે મનપાના આખરી નિર્ણય પર મીટ
જામનગરમાં મહાનગરપાલીકા દ્વારા યોજાનારા શ્રાવણી લોકમેળામાં મોટા આઠ પ્લોટના ઓનલાઇન ટેન્ડરનું કોકડું ગુંચવાયું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. કારણ કે, શુકવારે ઓનલાઇન ટેન્ડર ખોલાવની પ્રક્રીયા થઇ શકી ન હતી. બીજી બાજુ સીંગલ ટેન્ડર, અપૂરતા દસ્તાવેજો સહીતની તરેહ-તરેહની ચર્ચાઓના દૌર વચ્ચે સોમવારે મનપાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે તેના પર સૌની મીટ મંડાઇ છે.
જામનગરમાં મહાનગરપાલીકા દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડમાં ૧૧ દીવસ શ્રાવણી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. લોકમેળામાં નાના-મોટા ૪૩ પ્લોટ માટે મહાનગરપાલીકા દ્વારા ટેન્ડર પ્રક્રીયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ૩૫ પ્લોટસ માટે ઓફલાઇન અને ૮ મોટા પ્લોટ માટે ઓનલાઇન ટેન્ડર મંગાવામાં આવ્યા હતાં. ૩૫ પ્લોટ માટે કુલ ૮૮ ઓફલાઇન ટેન્ડર ભરાયા હતાં. આ ટેન્ડર ખોલવાની પ્રક્રીયામાં ફુડઝોનના ૬ પ્લોટ તથા પોપર્કોનના એક પ્લોટ માટે સીંગલ ટેન્ડર આવતા આ તમામ ૭ પ્લોટના રી-ટેન્ડર કરવામાં આવશે તેમ એસ્ટટ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું. જયારે જે ટેન્ડરો ખૂલ્યા છે તેના પર મંજૂરીની મહોર હવે લાગશે.
જયારે મશીન મનોરંજનના ૮ પ્લોટના ટેન્ડર કે જે રૂ.૫ લાખથી વધુના હોય ઓનલાઇન મંગાવામાં આવ્યા હોય તે શુક્રવારે સવારે ખોલવાના હતાં. પરંતુ આ પ્રક્રીયા થઇ શકી ન હતી. બીજી બાજુ ૮ મોટા પ્લોટમાં સીંગલ ટેન્ડર, અપૂરતા દસ્તાવેજોની ચર્ચા વચ્ચે સાંજ સુધી હવે શું નિર્ણય કરવો તેની મથામણનો દૌર મનપાના ઉચ્ચ અધિકારીઓમાં ચાલ્યો હતો. પરંતુ કોઇ નિર્ણય આવ્યો ન હોય સોમવારે મનપા દ્વારા આખરી નિર્ણય લેવામાં આવે તેમ સૂત્રોએ જણાવ્યું છે. આથી મનપાના આખરી નિર્ણય પર સૌની મીટ મંડાઇ છે.