BREAKING NEWS

ચોટીલા ચામુંડા માતાજી મંદિર પરિસરમાં સિક્યુરિટી ગાર્ડ્સ અને દર્શનાર્થી વચ્ચે રણસંગ્રામ: છૂટા હાથની મારામારીનો વીડિયો વાયરલ

  • August 15, 2026 03:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરેન્દ્રનગર જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે આવેલા શ્રી ચામુંડા માતાજી મંદિર પરિસરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મંદિરમાં સુરક્ષા વ્યવસ્થા જાળવતા સિક્યુરિટી ગાર્ડ અને દર્શનાર્થીઓ વચ્ચે સામાન્ય બાબતે શરૂ થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા મામલો બિચક્યો હતો. વાતાવરણ એટલું તંગ બની ગયું હતું કે મંદિર પરિસરમાં જ બંને પક્ષો વચ્ચે છૂટા હાથની મારામારી શરૂ થઈ ગઈ હતી. આ સમગ્ર હિંસક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં અફરાતફરી અને ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.


સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, દર્શનાર્થીઓ અને સિક્યુરિટી ગાર્ડ્સ વચ્ચે સામસામે ઉગ્ર ઝપાઝપી થઈ રહી છે. ગણતરીની મિનિટોમાં જ મામલો વધી જતાં એકબીજા પર ઢીકાપાટુનો વરસાદ વરસાવવામાં આવ્યો હતો અને લાકડીઓ વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ મારામારીના દ્રશ્યોમાં મંદિરના કેટલાક સેવકો પણ સિક્યુરિટી ગાર્ડ્સ સાથે મળીને દર્શનાર્થીઓને ફટકારતા નજરે પડ્યા છે. આ હિંસક ઘટનામાં બંને પક્ષે કેટલાક લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હોવાના અહેવાલ સાંપડ્યા છે. જ્યારે આ બનાવ બન્યો ત્યારે પવિત્ર ધામમાં હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ હાજર હોવાથી લોકોમાં ભારે ભય, કૌતુક અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ઘટના અંગે વિગતો આપતા મંદિરના પૂજારી મનસુખગીરીએ જણાવ્યું હતું કે, એક માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિએ અચાનક ફરજ પરના સિક્યુરિટી ગાર્ડને તમાચો મારી દીધો હતો, ત્યારબાદ મામલો વધુ ઉગ્ર બન્યો હતો. બીજી તરફ, બનાવ અંગે ચોટીલા પોલીસ સ્ટેશનના પી.આઈ. જે. એમ. સોલંકીએ જણાવ્યું છે કે વાયરલ વીડિયોના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. વીડિયો ફૂટેજ ચકાસીને મારામારી કરનાર તમામ જવાબદારો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ચોટીલા ધામમાં દરરોજ ગુજરાત અને દેશભરમાંથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ મા ચામુંડાના દર્શનાર્થે આવતા હોય છે. આવા ધાર્મિક અને સંવેદનશીલ સ્થળે તૈનાત સુરક્ષાકર્મીઓની ભૂમિકા અત્યંત જવાબદારીપૂર્વકની હોવી જોઈએ. આ ઘટના બાદ સ્થાનિક રહીશો અને ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોએ માંગ કરી છે કે આ સમગ્ર બનાવની તટસ્થ તપાસ કરી કાયદો હાથમાં લેનારાઓ સામે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે. સાથોસાથ, ભવિષ્યમાં આવી અપ્રિય ઘટનાઓ ન પુનરાવર્તિત થાય તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા સુરક્ષા વ્યવસ્થાની તાત્કાલિક સમીક્ષા કરી યોગ્ય પગલાં લેવામાં આવે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application