રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ (રાજકોટ ડેરી) દ્વારા હજારો પશુપાલકો માટે ખુશીના સમાચાર આપતા ‘અંતિમ દૂધ ભાવ વિતરણ’ કાર્યક્રમ યોજાયો હતો. વર્ષ ૨૦૨૫-૨૬ ના નફામાંથી પશુપાલકોને પ્રતિ કિલો ફેટે રૂ. ૮૪ લેખે કુલ રૂ. ૭૫ કરોડનું ઐતિહાસિક અંતિમ દૂધ ભાવ ચુકવવાની જાહેરાત કરવામાં આવી છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં દૂધ ઉત્પાદકોના બેંક ખાતામાં ભાવફેરની રકમ સીધી (ડાયરેક્ટ) જમા કરાવતો રાજકોટ દૂધ સંઘ એકમાત્ર સંઘ બન્યો છે, જે ડેરીની પારદર્શકતા અને પશુપાલકો પ્રત્યેની ઉત્તમ વિશ્વસનીયતાનું પ્રતીક છે.
સંઘ સાથે જોડાયેલી ૭૬૧ દૂધ મંડળીઓના ૫૨,૧૮૨ દૂધ ઉત્પાદકોના ખાતામાં રૂ. ૭૫ કરોડની જંગી રકમ સીધી ટ્રાન્સફર કરવામાં આવશે. નાણાકીય સ્થિતિ અંગે વાત કરીએ તો વર્ષ ૨૦૨૫-૨૬ માં રાજકોટ દૂધ સંઘે રૂ. ૧૧૮૫ કરોડનું અનઓડિટેડ ટર્નઓવર નોંધાવ્યું છે અને સંઘનો કાચો નફો રૂ. ૯૦ કરોડ રહ્યો છે.
છેલ્લા ૬ વર્ષની સફર પર નજર કરીએ તો સંઘે કુલ રૂ. ૨૮૮ કરોડનો કાચો નફો મેળવ્યો છે, જેમાંથી ૭૦ ટકા જેટલી જંગી રકમ એટલે કે રૂ. ૧૯૬ કરોડ પશુપાલકોને અંતિમ દૂધ ભાવ તરીકે ચૂકવી દેવામાં આવ્યા છે. ડેરીના આ નિર્ણયથી રાજકોટ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના પશુપાલકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.