BREAKING NEWS

કોઈ ભલામણ રાખવામાં નહીં આવેઃ દૂધમાં ભેળસેળ કરનારાઓને જયેશ રાદડિયાની કડક ચેતવણી

  • August 15, 2026 04:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દૂધ ઉત્પાદક મંડળીઓમાં ભેળસેળને લઈને પૂર્વ કેબિનેટ મંત્રી અને સહકારી આગેવાન જયેશ રાદડિયાએ કડક વલણ અપનાવ્યું છે. રાજકોટ ડેરીમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન તેમણે દૂધમાં ભેળસેળ કરનારાઓને સ્પષ્ટ ચેતવણી આપતા કહ્યું હતું કે, દૂધમાં ભેળસેળ કરનારાઓ માટે કોઈ ભલામણ કરવામાં નહીં આવે. રાજકોટ દૂધ ઉત્પાદક સંઘ દ્વારા યોજવામાં આવેલ કાર્યક્રમમાં  જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, નવી દૂધ મંડળી શરૂ કરવા માટે સહકારની જરૂર હોય તો સહયોગ આપવામાં આવશે, પરંતુ દૂધમાં ભેળસેળ કરવામાં આવશે તો કોઈપણ પ્રકારની છૂટછાટ આપવામાં નહીં આવે. 


ભેળસેળ કરનારી મંડળી સામે સસ્પેન્શન સહિતની કાર્યવાહી કરવાની પણ તેમણે ચેતવણી આપી હતી. દૂધમાં ભેળસેળ કરવી એ માત્ર વ્યવસાય સાથે જોડાયેલો મામલો નથી, પરંતુ તે સીધી રીતે લોકોના આરોગ્ય સાથે ચેડા સમાન છે. લોકોના આરોગ્ય સાથે ચેડા કરતી કોઈપણ પ્રકારની ભેળસેળને સહન કરવામાં નહીં આવે. રાદડિયાની આ ચેતવણીને પગલે દૂધ મંડળીઓમાં ભેળસેળ કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની દિશામાં સહકારી ક્ષેત્રમાં ચર્ચા શરૂ થઈ છે. 

તેમણે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, મંડળી ચલાવવી હોય તો નિયમોનું પાલન કરવું પડશે અને દૂધની ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છે કે છેલ્લા પાંચ વર્ષમાં રાજકોટ દૂધ ઉત્પાદક સંઘ સાથે સંકળાયેલી 227 જેટલી દૂધ મંડળીના દૂધમાં ભેળસેળ જણાતા દૂધ ઉત્પાદક સંઘ દ્વારા ભેળસેળ યુક્ત દૂધમાં કલર મેળવીને તેને બિન ઉપયોગી બનાવવામાં આવ્યું છે. તેમજ ભેળસેળ કરનારી દૂધ મંડળીને 98 લાખથી પણ વધુનો દંડ ફટકારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. રાજકોટ દૂધ સંઘ દ્વારા દૂધ ઉત્પાદકોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. 


રાજકોટ ડેરીના નફામાંથી દૂધ ઉત્પાદકોને મળવાપાત્ર અંતિમ ભાવની રકમ સીધી તેમના બેંક ખાતામાં જમા કરાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અંતર્ગત પ્રતિ કિલો ફેટના રૂ.84 લેખે કુલ રૂ.75 કરોડની રકમ દૂધ ઉત્પાદકોને ચૂકવવામાં આવી છે. રાજકોટ દૂધ સંઘનો વર્ષ 2025-26 દરમિયાન કુલ નફો રૂ.90 કરોડ રહ્યો હોવાનું જણાવાયું છે. આ નફામાંથી દૂધ ઉત્પાદકોને અંતિમ ભાવ પેટે રૂ.75 કરોડની રકમ ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજકોટ દૂધ સંઘ સાથે સંકળાયેલી કુલ 761 દૂધ મંડળીઓના 52,182 દૂધ ઉત્પાદકોના બેંક ખાતામાં આ રકમ સીધી જમા કરવામાં આવી છે. કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી તેમજ સહકારી આગેવાન અને પૂર્વ મંત્રી જયેશ રાદડિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application