BREAKING NEWS

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં ભયાનક અકસ્માત: સ્કોર્પિયો ચિનાબ નદીમાં ખાબકી, 5 લોકોનાં મોત

  • August 15, 2026 03:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં શનિવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. દચ્છન વિસ્તારમાં એક મહિન્દ્રા સ્કોર્પિયો અચાનક રસ્તા પરથી લપસી જતાં ઊંડી ખીણમાં પટકાઈ હતી અને ત્યારબાદ ચિનાબ નદીમાં જઈ પડી હતી. આ દુર્ઘટનામાં કારમાં સવાર પાંચ લોકોનાં મોત થયા છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, સ્કોર્પિયો (રજિસ્ટ્રેશન નંબર HR29AG-0648) ડાંગડારુથી સાઉન્ડર તરફ જઈ રહી હતી. સવારે આશરે 10:45 વાગ્યે યૈનવાન, ડાંગડારુ નજીક પહોંચતા જ વાહન અચાનક રસ્તા પરથી લપસી ગયું હતું. ત્યારબાદ કાર રસ્તા પરથી નીચે ખાબકીને ચિનાબ નદીમાં પડી હતી.

અકસમાતની જાણ થતાં જ દચ્છન પોલીસ સ્ટેશનની ટીમ સ્થાનિક લોકો અને અન્ય કર્મચારીઓ સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ અને બચાવકર્મીઓએ તાત્કાલિક રાહત અને શોધખોળ કામગીરી શરૂ કરી હતી.

અધિકારીઓએ જણાવ્યું કે અત્યાર સુધીમાં ઘટનાસ્થળેથી પાંચ મૃતદેહ મળી આવ્યા છે. જોકે, અકસ્માત સમયે વાહનમાં કુલ કેટલા લોકો સવાર હતા તેની સત્તાવાર પુષ્ટિ હજુ થઈ નથી. મૃતકોની ઓળખ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. બચાવ અને રાહત કામગીરી હજુ ચાલુ છે.

પોલીસે અકસ્માત કેવી રીતે સર્જાયો અને વાહન રસ્તા પરથી શા માટે લપસ્યું તેની તપાસ પણ શરૂ કરી છે. પહાડી વિસ્તારમાં રસ્તાની સ્થિતિ અને વાહન પરનો નિયંત્રણ ગુમાવવો અકસ્માતના સંભવિત કારણો અંગે તપાસ કરવામાં આવી રહી છે.

કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું કે કિશ્તવાડના દચ્છનમાં થયેલા દુઃખદ અકસ્માતમાં પાંચ લોકોનાં મોતથી તેઓ ખૂબ જ દુઃખી છે. તેમણે મૃતકોના પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી અને જિલ્લા વહીવટીતંત્ર તથા વરિષ્ઠ અધિકારીઓને અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક મદદ પહોંચાડવા સૂચના આપી હોવાનું જણાવ્યું.

જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ પણ ઘટનાને લઈને શોક વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે દચ્છન વિસ્તારમાં અકસ્માતની માહિતી મળ્યા બાદ તેમણે કિશ્તવાડના ડેપ્યુટી કમિશનર પંકજ કુમાર શર્મા સાથે વાત કરી હતી.

ઉપરાજ્યપાલના જણાવ્યા અનુસાર, યૈનવાન વિસ્તારમાં સ્કોર્પિયો ઊંડી ખીણમાં પડી હતી અને દુર્ભાગ્યે વાહનમાં સવાર પાંચેય લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા. બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

આ દુર્ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છે. વહીવટીતંત્ર દ્વારા મૃતકોની ઓળખ અને પરિવારજનોને માહિતી આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application