BREAKING NEWS

જેતપુરમાં વ્રજ વાટીકા હોટલમાં રાજકોટ રેન્જની ટીમ ત્રાટકી, જુગાર રમતા 9 શખ્સોને ઝડપી પાડ્યા, જાણો વધુ વિગત

  • August 15, 2026 10:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક (DIGP) નિર્લિપ્ત રાય દ્વારા રેન્જ હસ્તકના જિલ્લાઓમાં પ્રોહિબિશન અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સદંતર નાબૂદ કરવા અને આવી પ્રવૃત્તિઓમાં સંકળાયેલા તત્વો સામે કડક કાર્યવાહી કરવા ખાસ સૂચના આપવામાં આવી હતી. આ ઝુંબેશના ભાગરૂપે રાજકોટ રેન્જના પોલીસ ઈન્સપેક્ટર અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી.એન. મોરી, બી.સી. મીયાત્રા, સી.એમ. કાંટેલીયા અને તેમની ટીમે ખાનગી બાતમીદારો (હ્યુમન સોર્સ) અને ટેકનિકલ એનાલિસિસના આધારે શંકાસ્પદ હિલચાલ પર નજર રાખવાનું શરૂ કર્યું હતું.


દરમિયાન, બી.સી. મીયાત્રા તથા તેમની ટીમના કર્મચારીઓ કુલદિપસિંહ ચુડાસમા, વકારભાઇ અરબ, દિવ્યેશભાઇ સુવા, નિકુલભાઇ પંપાણીયા, અનિરુધ્ધસિંહ જાડેજા, બલદેવસીંગ વિરદી અને ડ્રાઈવર સંજયભાઇ પરમારને ચોક્કસ હકીકત મળી હતી. આ બાતમીના આધારે પોલીસે રાજકોટ ગ્રામ્યના જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જેતપુર-જુનાગઢ હાઈવે પરની 'વ્રજ વાટીકા' હોટલમાં દરોડો પાડ્યો હતો. આ હોટલના માલિક દીપક જમન પોલરાની માલિકીના રૂમમાં પરેશભાઇ ભિખુભાઇ કાછડીયા નામના શખ્સે બહારથી માણસો બોલાવી   જુગારધામ શરૂ કર્યું હોવાનું સામે આવ્યું હતું.


પોલીસે ઘટનાસ્થળેથી જુગાર રમતા કુલ 9 ઈસમોને રંગેહાથ ઝડપી લીધા હતા. દરોડા દરમિયાન સ્થળ પરથી રોકડા રૂ. ૧૨,૨૬,૧૦૦, 2 મોટરકાર અને 7 મોબાઈલ ફોન મળી કુલ રૂ. ૪૧,૨૬,૧૦૦નો મોટો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીઓની વિગત નીચે મુજબ છે.

પરેશ ઉર્ફે બટર ભિખુ કાછડીયા (રહે. ગાયત્રી મંદિર પાસે, જેતપુર)

હરેશ છગન સેંજલીયા (રહે. મંડલીકપુર, તા. જેતપુર)

ગોગન નાથા પરમાર (રહે. હરીપુર, તા. ખંભાળીયા, જી. દેવભૂમિ દ્વારકા)

માયા જાડા માયાણી (રહે. હરીપર, તા. ખંભાળીયા, જી. દેવભૂમિ દ્વારકા)

રામજી ઉર્ફે રામદે ગોગન ભોગેસરા (રહે. અમર, તા. કુતિયાણા, જી. પોરબંદર)

ભાવેશ રસીક ધુળેસીયા (રહે. ઝાંઝરડા રોડ, જુનાગઢ)

અનિલ શાંતી વેકરીયા (રહે. દેસાઈવાડી, જેતપુર)

સના દેવા બામણીયા (રહે. અમરગામ, તા. કુતિયાણા, જી. પોરબંદર)

દીપક જમન પોલરા (હોટલ માલિક - રહે. જેતલસર, તા. જેતપુર)

પોલીસે તમામ 9 આરોપીઓની ધોરણસર અટકાયત કરી તેમની વિરુદ્ધ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ રેન્જ ટીમની આ સફળ કામગીરીથી જુગારના ધંધાર્થીઓમાં ભારે ફાળ પડી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application