BREAKING NEWS

ચીનના બંદર પર ઊભેલા વિદેશી કાર્ગો શિપમાં ભયાનક આગ: 20 લોકોના મોત, રાષ્ટ્રપતિ શી જિનપિંગે આપ્યા તપાસના આદેશ

  • September 10, 2026 10:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પૂર્વ ચીનના શાનદોંગ પ્રાંતમાં આવેલા કિંગદાઓ બેહાઈ શિપયાર્ડ ખાતે મેન્ટેનન્સ (સમારકામ) માટે લંગારેલા એક વિદેશી ફ્લેગ ધરાવતા માલવાહક (કાર્ગો) જહાજમાં ગુરુવારે સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ભયાનક અકસ્માતમાં ઓછામાં ઓછા 20 લોકોના મોત નીપજ્યા છે અને ભારે જાનમાલનું નુકસાન થયું હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. ચાઇના સ્ટેટ શિપબિલ્ડિંગ કોર્પોરેશનની મુખ્ય સહાયક કંપની દ્વારા સંચાલિત 'બેહાઈ શિપબિલ્ડિંગ કંપની લિમિટેડ'ના બંદર પર ગુરુવારે સવારે લગભગ 11:15 વાગ્યે (0315 GMT) આ અકસ્માત સર્જાયો હતો.

ચીનની સરકારી સમાચાર એજન્સી શિન્હવા (Xinhua) ના જણાવ્યા અનુસાર, આગ એટલી ભયાનક હતી કે જોતજોતામાં જહાજનો મોટાભાગનો હિસ્સો આગની લપેટમાં આવી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ રાહત અને બચાવ કાર્યકર્તાઓની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ અને આગ પર સંપૂર્ણ કાબૂ મેળવાયો છે કે નહીં તે અંગે સ્થાનિક પ્રશાસન દ્વારા ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે.


આ ભયાનક દુર્ઘટના બાદ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને વડાપ્રધાન લી કિયાંગે તાત્કાલિક સ્થિતિની સમીક્ષા કરી હતી. રાષ્ટ્રપતિ શી જિનપિંગે તમામ સંબંધિત વિભાગોને આ ઘટનામાંથી ગંભીર પાઠ શીખવાની અને તમામ ઔદ્યોગિક વિસ્તારોમાં અગ્નિ સુરક્ષાના ધોરણોની સઘન તપાસ કરવા ચેતવણી આપી છે. તેમણે દુર્ઘટના માટે જવાબદાર લોકો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાનો નિર્દેશ પણ આપ્યો છે.


​​​​​​​બીજી તરફ, વડાપ્રધાન લી કિયાંગે ગુમ થયેલા લોકો માટે તાત્કાલિક સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવા, ઈજાગ્રસ્તોને યોગ્ય તબીબી સારવાર પૂરી પાડવા અને કોઈપણ પ્રકારની ગૌણ આપત્તિઓને અટકાવવા માટે કડક આદેશો જારી કર્યા છે. શિપયાર્ડમાં બનેલી આ ઘટનાથી ચીનના શિપબિલ્ડિંગ સેક્ટરમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા થયા છે અને સત્તાવાળાઓ દ્વારા વ્યાપક તપાસ શરૂ કરી દેવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application