કોરોના વાયરસની ભયાનક મહામારી બાદ ચીનના વૈજ્ઞાનિકોએ વધુ એક નવા ખતરનાક વિષાણુ (વાયરસ) ની શોધ કરી છે, જેણે વૈશ્વિક સ્તરે આરોગ્ય નિષ્ણાતોની ચિંતામાં વધારો કર્યો છે. 'ધી ન્યૂ ઇંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિન' માં પ્રકાશિત અહેવાલ મુજબ, આ વાયરસનું નામ 'એશિયાઈ લોંગહાર્ન ટીક નાઇરોવાયરસ' (Asian Longhorned Tick Nairovirus) રાખવામાં આવ્યું છે. આ વાયરસ મુખ્યત્વે પશુઓ પર જોવા મળતી ખાસ પ્રકારની ઇયળ અથવા જીવાત (ટીક) ના કરડવાથી પશુઓમાંથી મનુષ્યોમાં ફેલાય છે. જોકે, રાહતની વાત એ છે કે આ વાયરસ કોરોનાની જેમ એક માણસથી બીજા માણસમાં સીધો ફેલાતો નથી.
ચીનની રાજધાની બીજિંગ સ્થિત સ્ટેટ કી લેબોરેટરી ઓફ પેથોજેન એન્ડ બાયોસિક્યુરિટીના સંશોધકોના જણાવ્યા મુજબ, પ્રાણીઓ પરના પ્રયોગો બાદ જ્યારે સામાન્ય લોકોનું પરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે આ વાયરસની ઓળખ થઈ હતી. ચીનના 15 જેટલા પ્રાંતોમાં આ વાયરસના લક્ષણો ધરાવતા હજારો દર્દીઓ નોંધાયા છે. અભ્યાસ દરમિયાન વૈજ્ઞાનિકોએ 3163 લોકોનું પરીક્ષણ કર્યું હતું, જેમાંથી મોટાભાગના લોકોમાં આ વાયરસનું સંક્રમણ જોવા મળ્યું હતું જ્યારે માત્ર 10.4 ટકા લોકો જ નેગેટિવ મળી આવ્યા હતા.
વૈજ્ઞાનિકોના મતે આ વાયરસથી પીડિત દર્દીઓમાં મૃત્યુદર 10 થી 30 ટકા જેટલો ઊંચો હોવાનો અંદાજ લગાવાયો છે, જે તેને અત્યંત ખતરનાક બનાવે છે. આ વાયરસથી સંક્રમિત વ્યક્તિમાં તીવ્ર તાવ, સખત માથાનો દુખાવો, ઉબકા આવવા અને પાચન સંબંધિત ગંભીર સમસ્યાઓ (એસિડિટી) જેવા મુખ્ય લક્ષણો જોવા મળે છે. જ્યારે આ વાયરસ શરીરની અંદર અન્ય કોઈ પહેલાંથી હાજર વાયરસ સાથે ભળે છે, ત્યારે તે વધુ ઘાતક સ્વરૂપ ધારણ કરી લે છે.
અમેરિકાના ચેપી રોગના નિષ્ણાત ડૉ. ટાયલર ઇવાન્સે જણાવ્યું હતું કે, આ વાયરસની માદા જીવાત સંબંધ બાંધ્યા વિના પણ હજારો ઈંડાં મૂકી શકે છે, જેના કારણે તેનો ફેલાવો ખૂબ જ ઝડપથી થઈ રહ્યો છે. અમેરિકામાં પણ કેટલાક શંકાસ્પદ દર્દીઓની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ચીનના વૈજ્ઞાનિકો હાલમાં આ વિષાણુની અસરોને નાથવા અને દર્દીઓના રક્ષણ માટે ટૂંક સમયમાં યોગ્ય વેક્સિન (રસી) વિકસાવવા માટે સઘન સંશોધન ચલાવી રહ્યા છે.