એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO) એ પોતાના કરોડો સભ્યો માટે EPF એડવાન્સ વિથડ્રોઅલ (અગાઉથી નાણાં ઉપાડવાના) નિયમોને લઈને મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરી છે. EPFO ના જણાવ્યા અનુસાર, હવે કટોકટી કે જરૂરિયાતના સમયે સભ્યો પોતાના PF એકાઉન્ટમાંથી નાણાં ઉપાડવાની પ્રક્રિયાને વધુ સરળ બનાવી દેવામાં આવી છે. પ્રોવિડન્ટ ફંડના સભ્યો નિવૃત્તિ પહેલાં જ પોતાના જમા ફંડમાંથી ચોક્કસ રકમ ઉપાડી શકે છે. આ સુવિધા ખાસ કરીને શિક્ષણ, ગંભીર બીમારીની સારવાર અને મકાન સંબંધિત જરૂરિયાતો માટે પૂરી પાડવામાં આવી રહી છે.
EPFO એ EPF એડવાન્સને મુખ્યત્વે 3 કેટેગરીમાં વર્ગીકૃત કર્યું છે, જેમાં કટોકટીની જરૂરિયાતો, ઘર-મકાન સંબંધિત કામો અને વિશેષ પરિસ્થિતિઓનો સમાવેશ થાય છે. યોગ્યતા ધરાવતા કર્મચારીઓ પોતાના અથવા બાળકોના ઉચ્ચ શિક્ષણ, પરિવારના સભ્યોના મેડિકલ ઇમરજન્સી અને અન્ય તાકીદના ખર્ચાઓ માટે એડવાન્સ રકમનો દાવો કરી શકે છે. જોકે, આ સુવિધાનો લાભ લેતા પહેલા કર્મચારીઓએ ચોક્કસ પાત્રતા અને નિયમોની ચકાસણી કરવી જરૂરી રહેશે, જેથી ક્લેમ રિજેક્ટ ન થાય.
આ ઉપરાંત, નક્કી કરેલી શરતો હેઠળ નવું ઘર ખરીદવા, મકાનનું બાંધકામ કરવા અથવા ઘરના સમારકામ જેવી પાત્ર જરૂરિયાતો માટે પણ EPF એડવાન્સમાંથી નાણાકીય મદદ મેળવી શકાય છે. કેટલી રકમ ઉપાડી શકાશે તેનો આધાર સભ્યના PF બેલેન્સ, તેમની નોકરીનો કુલ સેવા સમયગાળો (ટોટલ સર્વિસ) અને નાણાં ઉપાડવાના હેતુ પર રહેલો છે. માત્ર એકાઉન્ટમાં પૂરતું બેલેન્સ હોવું પૂરતું નથી, પરંતુ દરેક કેટેગરીના એડવાન્સ માટે સેવાના અલગ-અલગ વર્ષો અને મર્યાદાઓ લાગુ પડે છે.
EPFO એ પોતાના તમામ સભ્યોને સલાહ આપતાં જણાવ્યું છે કે, EPF એ ભવિષ્ય અને નિવૃત્તિ માટેની એક લાંબા ગાળાની મહત્વપૂર્ણ બચત છે. તેથી, ખૂબ જ ગંભીર જરૂરિયાત હોય ત્યારે જ તેમાંથી નાણાં ઉપાડવાનો આગ્રહ રાખવો જોઈએ. બિનજરૂરી ખર્ચાઓ માટે PF ફંડમાંથી ઉપાડ કરવાનું ટાળવું જોઈએ, જેથી નિવૃત્તિ પછીની આર્થિક સુરક્ષા જળવાઈ રહે. કોઈપણ સભ્યએ ઓનલાઈન ક્લેમ સબમિટ કરતાં પહેલા પોતાની પાત્રતા, સેવા સમયગાળો અને વિથડ્રોઅલ લિમિટની પૂરતી ચકાસણી કરી લેવી જોઈએ.