અમદાવાદ શહેરની સ્કાયલાઈનને એક નવી ઓળખ આપવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) દ્વારા એક અત્યાધુનિક અને આઇકોનિક પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ શહેરના સિંધુ ભવન રોડ પર 175 મીટર (લગભગ 574 ફૂટ) ઊંચાઈ ધરાવતો એક વિશાળ દુબઈ જેવો આઇકોનિક ટાવર અને 'અમદાવાદ સિટી સ્ક્વેર' વિકસાવવામાં આવશે. એએમસી દ્વારા આ ડ્રીમ પ્રોજેક્ટ માટે 25 ઓક્ટોબર, 2026ના રોજ વિધિવત રીતે ટેન્ડર બહાર પાડી દેવામાં આવ્યું છે. કોન્ટ્રાક્ટરની પસંદગી થઈ ગયા બાદ કામ સોંપાયા પછી આ પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે 42 મહિના એટલે કે સાડા ત્રણ વર્ષનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે.
આ આઇકોનિક ટાવરમાં આધુનિક આર્કિટેક્ચર સાથે નાગરિકો અને પ્રવાસીઓ માટે વિવિધ જાહેર સુવિધાઓ, મનોરંજન, સાંસ્કૃતિક અને કોમર્શિયલ પ્રવૃત્તિઓનું મિશ્રણ જોવા મળશે. પ્રોજેક્ટ અંતર્ગત ગ્રાઉન્ડ લેવલની ઉપર લોઅર ગ્રાઉન્ડ તથા અપર ગ્રાઉન્ડ એમ બે મુખ્ય સ્તર વિકસાવવામાં આવશે. લોઅર ગ્રાઉન્ડ ખાતે વિવિધ દુકાનો (શોપ્સ) અને એક આર્ટ ગેલેરી તૈયાર કરાશે, જે શહેરની કોમર્શિયલ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપશે. જ્યારે અપર ગ્રાઉન્ડ ખાતે ચારેય ખૂણામાં ફૂડ કિઓસ્ક, ગાર્ડન, ફૂડ કોર્ટ અને આકર્ષક વોટર ફાઉન્ટેન સાથે એક અર્બન પ્લાઝા આકાર લેશે. આ ઉપરાંત મનોરંજક અને સાંસ્કૃતિક કાર્યક્રમો માટે 310 વ્યક્તિઓની બેઠક ક્ષમતા ધરાવતું એક ભવ્ય એમ્ફીથિયેટર પણ બનાવવામાં આવશે.
આ પ્રોજેક્ટનું મુખ્ય આકર્ષણ 175 મીટર ઊંચો આઇકોનિક ટાવર રહેશે. ટાવરમાં અંદાજિત 40 મીટરની ઊંચાઈએ 6,485 ચોરસ મીટર જેટલા રાઉન્ડ (ગોળાકાર) આકારના બાંધકામમાં બે માળનું વિશાળ રેસ્ટોરન્ટ બનાવાશે. આ રેસ્ટોરન્ટમાં એક સાથે 1,200થી વધુ લોકો બેસીને ભોજનનો આનંદ માણી શકશે. આ રેસ્ટોરન્ટની બિલકુલ ઉપર ટેરેસ ડેક કેફે વિકસાવવામાં આવશે, જ્યાં આશરે 200 લોકો માટે બેસવાની વ્યવસ્થા હશે. આ સુવિધા મુલાકાતીઓને ઊંચાઈ પરથી અનોખો અનુભવ પૂરો પાડશે.
ટાવરની સૌથી ટોચે એટલે કે 175 મીટરની ઊંચાઈએ એક આકર્ષક સ્કાય ડેક અને સ્કાય વોક તૈયાર કરાશે. અહીંથી મુલાકાતીઓ સમગ્ર અમદાવાદ શહેરનો મનમોહક પેનોરેમિક વ્યુ નિહાળી શકશે. સ્કાય ડેકની વ્યુ ગેલેરીનો એકસાથે 75 જેટલા લોકો લાભ લઈ શકે તેવી સુવિધા ઊભી કરવામાં આવશે. આ ઉપરાંત, ટાવરના 40 મીટરથી લઈને 175 મીટરની ઊંચાઈ વચ્ચેના ભાગમાં એક વિશાળ ડિજિટલ સ્ક્રીન લગાવવામાં આવશે, જેની ઉપર સતત ડિજિટલ જાહેરાતો પ્રદર્શિત કરી શકાશે.
સિટી સ્ક્વેર ખાતે આવતા મુલાકાતીઓની સુવિધા માટે ગ્રાઉન્ડ લેવલથી અંદાજે 15 મીટર ઊંડાઈએ ત્રણ માળનું ભવ્ય બેઝમેન્ટ પાર્કિંગ બનાવવામાં આવશે, જેમાં કુલ 1,500 વાહનો પાર્ક કરી શકાશે. આ સિવાય, ટાવરની સામેની બાજુએ આવેલા કોર્પોરેશનના પ્લોટમાં પણ 450 વાહનો માટે વધારાનું પાર્કિંગ વિકસાવવામાં આવશે, જેથી ટ્રાફિકની કોઈ સમસ્યા ન સર્જાય.
આ પ્રોજેક્ટ અમદાવાદ શહેરની વૈશ્વિક ઓળખ સમાન બનવાનો હોવાથી એએમસી દ્વારા યોગ્ય અને સક્ષમ કોન્ટ્રાક્ટરની પસંદગી માટે ખાસ ઓરિએન્ટેશન મીટિંગનું આયોજન કરવામાં આવશે. આ મીટિંગમાં રસ ધરાવતા કોન્ટ્રાક્ટરોને પ્રોજેક્ટની કામગીરી અને તેની ગંભીરતા વિશે ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવશે. આ ઉપરાંત, ટેન્ડર આખરી કરતા પહેલાં બે વખત પ્રિ-બીડ મીટિંગ યોજાશે, જેથી તમામ શંકાઓનું નિવારણ કરીને નિયત સમયમર્યાદામાં ઉચ્ચ ગુણવત્તા સાથે પ્રોજેક્ટ પૂર્ણ કરી શકાય.