અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી અમદાવાદ પોલીસ કમિશનર અને ક્રાઈમ બ્રાન્ચે આકરું વલણ અપનાવ્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ધમધમતી ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે ક્રાઈમ બ્રાન્ચની ટીમોએ એકસાથે 35થી વધુ હોટલો અને ગેસ્ટ હાઉસ પર વ્યાપક તપાસ અને દરોડાનું સ્પેશિયલ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં બાંગ્લાદેશી સહિત 50 શંકાસ્પદ મહિલા ઝડપાઈ હતી.
પોલીસની આ અચાનક કાર્યવાહીને પગલે હોટલ સંચાલકો, મેનેજરો અને અસામાજિક તત્વોમાં ભારે હડકંપ અને ફફડાટ મચી ગયો હતો.
પોલીસના આ સઘન સર્ચ ઓપરેશન દરમિયાન હોટલો અને ગેસ્ટ હાઉસમાંથી ગેરકાયદે પ્રવૃત્તિઓમાં 50થી વધુ શંકાસ્પદ મહિલાઓની અટકાયત કરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછ અને તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, આ ગેરકાયદે નેટવર્કમાં પશ્ચિમ બંગાળ ઉપરાંત સરહદ પારથી ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસણખોરી કરીને આવેલી બાંગ્લાદેશી મહિલાઓ પણ મોટા પ્રમાણમાં સામેલ છે. ખાસ કરીને શહેરના જશોદાનગર, નરોડા, સીટીએમ અને બાપુનગર વિસ્તારની હોટલો પોલીસના મુખ્ય રડાર પર હતી, જ્યાંથી લાંબા સમયથી આવી અસામાજિક પ્રવૃત્તિઓ ચાલતી હોવાની ચોક્કસ બાતમી મળી હતી.
ક્રાઈમ બ્રાન્ચના દરોડાની જાણ થતાં જ મોટાભાગની હોટલોના સંચાલકો અને મેનેજરો ધરપકડના ડરથી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. હાલમાં પોલીસ દ્વારા અટકાયતમાં લેવાયેલી તમામ મહિલાઓના પાસપોર્ટ, ઓળખપત્રો અને અન્ય નાગરિકતા સંબંધિત દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ તપાસનો મુખ્ય હેતુ આ મહિલાઓ શહેરમાં કેવી રીતે આવી, તેમને કોણે આશ્રય આપ્યો અને આ આખી માનવ તસ્કરી પાછળ કયા મોટા માથા કે નેટવર્કની સંડોવણી છે તેની કડીઓ મેળવવાનો છે. ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયેલા હોટલ માલિકો અને મેનેજરોને ઝડપી પાડવા માટે પોલીસે વિશેષ ટીમો બનાવીને અલગ-અલગ દિશામાં શોધખોળ તેજ કરી છે.