BREAKING NEWS

હાલારમાં દુષ્કાળની માઠી અસર, ૩ મહિનામાં વીજ વપરાશ અધધધ..૧૧ કરોડ યુનીટ વઘ્યો

  • October 30, 2026 02:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલારમાં દુષ્કાળની માઠી અસર, ૩ મહિનામાં વીજ વપરાશ અધધધ..૧૧ કરોડ યુનીટ વઘ્યો 

લાલબતી: ગત વર્ષની સાપેક્ષમાં ખૂબજ અપૂરતો વરસાદ અને ચોમાસામાં પણ ઉનાળા જેવી ગરમીથી બંને જિલ્લામાં વીજમાંગમાં ધરખમ વધારો, ગ્રામ્ય પંથકમાં વીજધાંધિયાની ફરિયાદો

ખેતીમાં પણ પિયત માટે કુવા,બોરમાંથી પાણી ઉલેચવા સહીત અન્ય કામગીરીમાં પાવરનો વધુ વપરાશ: વીજકંપનીઓ માટે આગામી દીવસોમાં વીજ પુરવઠામાં સાતત્ય જાળવવું સૌથી મોટો પડકાર

હાલારમાં દુષ્કાની માઠી અસર શરૂ થઇ ગઇ છે. કારણ કે, ગત વર્ષની સાપેક્ષમાં ચાલુ વર્ષે ખૂબજ અપૂરતો વરસાદ અને ચોમાસામાં પણ ઉનાળા જેવી ગરમીથી બંને જિલ્લામાં વીજ માંગમાં ધરખમ વધારો થતાં ત્રણ મહીનામાં વીજ વપરાશ અધધધ..૧૧ કરોડથી વધુ યુનીટનો વધારો નોંધાયો છે. ગરમીના કારણે ઇલેકટ્રીક ઉપકરણો અને ખેતીમાં પણ પિયત માટે કુવા,બોરમાંથી પાણી ઉલેચવા સહીત અન્ય કામગીરી માટે પાવરનો વધુ ઉપયોગ ચોમાસમાં વીજ વપરાશ વધારા માટે મુખ્ય કારણ હોવાનું વીજકંપનીના અધિકારીઓએ જણાવ્યું છેે. ચોમાસામાં વીજ વપરાશમાં ચોંકાવનારા વધારાથી આગામી દીવસોમાં વીજ પુરવઠામાં સાતત્ય જાળવવું વીજકંપની માટે સૌથી મોટો પડકાર બનશે તેમાં બેમત નથી. કારણ કે, અત્યારથી ગ્રામ્ય વિસ્તારોમાં અઘોષિત વીજકાપની ફરિયાદોનો મારો શરૂ થયો છે. 

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાલુ વર્ષે વરસાદની ધરખમ ઘટથી પાણીનું સંકટ ઘેરૂ બન્યું છે તો શિયાળુ પાકનું વાવેતર થશે કે કેમ તેની સામે ગંભીર પ્રશ્ર્નાર્થ સર્જાયા છે. આ કપરી સ્થિતિમાં રાજય સરકારે બંને જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે. જો કે, દુષ્કાળની અસર તો ચોમાસામાં વરસાદ ન થતાં બંને જિલ્લામાં દેખાવા લાગી છે. કારણ કે, વર્તમાન સમયમાં ખૂબજ જરૂરી વીજળીની માંગમાં હાલારમાં ધરખમ વધારો નોંધાયો છે. હાલારમાં સામાન્ય રીતે દર વર્ષે ૧૫ જૂનથી ચોમાસાનો વિધિવત પ્રારંભ થાય છે. ગત વર્ષે મેઘરાજા મનમૂકીને વરસતા પાક અને પાણીનું ચિત્ર ઉજળું બન્યું હતું. આટલું જ નહીં વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક અને કૃષિમાં પિયત માટે સરળતાથી પાણી મળી રહેતા વીજ વપરાશ મર્યાદીત રહ્યો હતો. પરંતુ ચાલુ વર્ષ વરસાદની ભારે ઘટથી દુષ્કાળના દીવસો આવ્યા છે. આથી વીજ માંગમાં બંને જિલ્લામાં ધરખમ વધારો નોંધાયો છે.

પીજીવીસીએલના ચોપડે વીજ વપરાશના નોંધાયેલા આંકડા તેનો બોલતો પુરાવો છે. ગત વર્ષે એટલે કે ૨૦૨૫માં ચોમાસાની સીઝનના ચાર મહીના પૈકી જુલાઇથી  સપ્ટેમ્બર એટલે કે ૩ મહીનામાં હાલારના બંને જિલ્લામાં કુલ વીજ વપરાશ ૪૦,૩૯,૨૦,૩૮૧ યુનીટ હતો. જેની સરખામણીએ ચાલુ વર્ષે એટલે કે ૨૦૨૬માં  જુલાઇથી સપ્ટેમ્બર ૩ મહીનામાં બંને જિલ્લામાં વીજ વપરાશ ૫૧,૪૮,૫૪,૮૪૦ યુનીટ નોંધાયો છે. આથી ગત વર્ષ કરતા ચાલુ વર્ષે ચોમાસાના ૩ મહીનમાં વીજ વપરાશમાં ૧૧,૦૯,૩૪,૪૫૯ યુનીટનો અધધ...વધારો નોંધાયો છે. ચાલુ વર્ષે ચોમાસામાં વીજ વપરાશમાં કરોડો યુનીટના વધારા પાછળ અપૂરતા વરસાદની સાથે પડેલો આકારો તાપ અને ગરમી મુખ્ય પરિબળ છે. કારણ કે, ગરમીના કારણે ચોમાસામાં પણ એસી,પંખા સહીતના ઇલેકટ્રીક ઉપકરણોનો સતત ઉપયોગ અને કૃષિમાં કૂવા,બોરમાંથી પાણી ઉલેચવા તથા અન્ય કામગીરી માટે પાવરનો વધુ વપરાશ થયો છે. આથી વીજ માંગ દીન-પ્રતિદિન ઘટવાને બદલે વધી રહી છે. આ કપરી સ્થિતિમાં અપૂરતા કોલસા સહીતની સમસ્યાથી વીજ સંકટના એંધાણના અહેવાલો પણ વહેતા થયા છે. ત્યારે આગામી દીવસોમાં પાણીની જેમ વીજ માંગ પણ વધશે તેમાં બેમત નથી. ત્યારે દુષ્કાળગ્રસ્ત હાલારના બંને જિલ્લામાં રહેણાંક, કૃષિ અને ઔધોગીક સહીત તમામ ક્ષેત્રમાં વીજ પુરવઠામાં સાતત્ય જાળવવું વીજકંપની માટે સૌથી મોટો પડકાર રહેશે તેમાં પણ બેમત નથી તેમ વીજકંપનીના અતરંગ સૂત્રોએ જણાવ્યું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application