BREAKING NEWS

સરકારી બાબુઓ માટે 'ટેક-ધમાકા': હવે રૂ.1.80 લાખ સુધીના લેપટોપ-ટેબલેટ મળશે, ૪ વર્ષ પછી કાયમ માટે પોતાના!

  • November 12, 2026 05:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેન્દ્ર સરકારના અધિકારીઓ માટે એક મોટા અને રાહતરૂપ સમાચાર સામે આવ્યા છે. નાણા મંત્રાલય દ્વારા કેન્દ્રીય સરકારી અધિકારીઓ માટે લેપટોપ અને ટેબલેટ ખરીદવા તેમજ તેના ઉપયોગ અંગેના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આ નવા નિયમો ૧૦ નવેમ્બરથી સમગ્ર દેશમાં લાગુ કરી દેવામાં આવ્યા છે. આ નવી નીતિ અંતર્ગત હવે લાયક કેન્દ્રીય સરકારી અધિકારીઓને ઓફિસના કામકાજ માટે ₹૧.૮૦ લાખ સુધીની કિંમતના અત્યાધુનિક લેપટોપ અને ટેબલેટ મળી શકશે. એટલું જ નહીં, આ ડિવાઇસનો ચાર વર્ષ સુધી ઉપયોગ કર્યા બાદ અધિકારીઓ તેને પોતાની પાસે પણ રાખી શકશે.


ખરીદીની નવી કિંમત મર્યાદા અને 'મેક ઇન ઇન્ડિયા' પ્રાધાન્ય

નાણા મંત્રાલયના ખર્ચ વિભાગ (Department of Expenditure) દ્વારા જાહેર કરવામાં આવેલી નવી માર્ગદર્શિકા મુજબ, જો ખરીદવામાં આવતા ડિવાઇસમાં ૪૦ ટકાથી વધુ 'મેક-ઇન-ઇન્ડિયા' (MII) કન્ટેન્ટ હશે, તો તેના માટે ₹૧.૮૦ લાખ ઉપરાંત ટેક્સ સુધીની મંજૂરી આપવામાં આવી છે. જ્યારે અન્ય સામાન્ય ડિવાઇસ માટે આ ખરીદી મર્યાદા ₹૧.૫૦ લાખ ઉપરાંત ટેક્સ નક્કી કરવામાં આવી છે. આ બંને નિર્ધારિત મર્યાદાઓમાં જ જરૂરી સ્ટાન્ડર્ડ સોફ્ટવેરનો ખર્ચ પણ સામેલ છે. અગાઉ જુલાઈ ૨૦૨૩માં આ મર્યાદા અનુક્રમે ₹૧ લાખ અને ₹૧.૩૦ લાખ હતી, જેમાં હવે મોટો વધારો કરાયો છે. આ નવી કિંમત મર્યાદામાં એપલના લોકપ્રિય મેકબુક એર અને મેકબુક પ્રો જેવા પ્રીમિયમ મોડલ પણ સમાવિષ્ટ થઈ શકે છે.


કયા અધિકારીઓ પાત્ર ગણાશે?

પગાર ધોરણ મુજબ નક્કી થઈ પાત્રતા નવા નિયમો સ્પષ્ટ કરે છે કે દેશના તમામ સરકારી કર્મચારીઓને આ સુવિધા મળશે નહીં, પરંતુ તેના માટે કર્મચારીના પગારના સ્તર (Pay Level) પ્રમાણે ચોક્કસ પાત્રતા નક્કી કરવામાં આવી છે.


 * પે લેવલ ૧૨ અને તેથી ઉપર: આ ઉચ્ચ સ્તરના તમામ મંજૂર પદો પર ફરજ બજાવતા અધિકારીઓ આ ડિવાઇસ મેળવવા માટે સીધા જ પાત્ર રહેશે.

 * પે લેવલ ૮ થી ૧૧: આ મધ્યમ સ્તર માટે શરૂઆતમાં મંજૂર પદોમાંથી ૫૦ ટકા કર્મચારીઓને જ આ ડિવાઇસ ફાળવવામાં આવશે.

 * ૭૫ ટકા સુધીની વિશેષ છૂટ: સંબંધિત મંત્રાલય કે વિભાગના સચિવ નાણાકીય સલાહકાર સાથે પરામર્શ કરીને જરૂરિયાત અનુસાર આ મર્યાદા વધારીને ૭૫ ટકા સુધી કરી શકશે.


ચાર વર્ષના ઉપયોગ બાદ ડિવાઇસ પોતાની પાસે રાખવાની સુવિધા

આ નવી નીતિનું સૌથી મોટું અને આકર્ષક પાસું એ છે કે અધિકારીઓ ચાર વર્ષ સુધી સરકારી લેપટોપ કે ટેબલેટનો ઉપયોગ કર્યા બાદ તેને પોતાની માલિકી તરીકે રાખી શકશે. જોકે, આ માટે શરત એ છે કે ડિવાઇસ અધિકારીને આપતા પહેલાં વિભાગે તેમાં રહેલી તમામ સરકારી અને સત્તાવાર માહિતી સંપૂર્ણપણે સુરક્ષિત રીતે દૂર (ડિલીટ) કરવાની રહેશે. જો કોઈ અધિકારી ચાર વર્ષ પૂરા થતાં પહેલાં જ સેવાનિવૃત્ત થાય કે રાજીનામું આપે, તો પણ તેને ડિવાઇસ પરત કરવાની જરૂર નથી. જોકે, આવી સ્થિતિમાં તેણે નિયમ મુજબ ડિવાઇસની ઘસારા બાદની કિંમત (Depreciated Value) સરકારી ખાતામાં જમા કરાવવી પડશે, જેમાં સરકાર દર વર્ષે ૨૫ ટકા લેખે મૂલ્ય ઘટાડો ગણશે.


અન્ય શરતો અને કોને નહીં મળે લાભ?


આ નીતિ હેઠળ કોઈપણ અધિકારીને ચાર વર્ષના આ ચોક્કસ સમયગાળા દરમિયાન બીજું નવું ડિવાઇસ ફાળવવામાં આવશે નહીં. અપવાદરૂપે જો હાલનું ડિવાઇસ બિલકુલ રિપેર થઈ શકે તેમ ન હોય, તો જ નવું ડિવાઇસ મળી શકે છે. આ નિયમો કેન્દ્ર સરકારના તમામ મંત્રાલયો, વિભાગો અને તેમની સાથે જોડાયેલી ગૌણ કચેરીઓને જ લાગુ પડશે. રાજ્ય સરકારો, સરકારી ઉપક્રમો (PSU), સ્વાયત્ત સંસ્થાઓ તથા સરકારી કન્સલ્ટન્ટ્સ કે સલાહકારો આ નવી નીતિના લાભથી વંચિત રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application