BREAKING NEWS

માઉન્ટ આબુમાં રાજકોટના પર્યટકોની ટેમ્પો ટ્રાવેલર ખાડામાં ખાબકી; 4થી વધુ લોકો ઘાયલ

  • November 12, 2026 02:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજસ્થાનના પ્રસિદ્ધ હિલ સ્ટેશન માઉન્ટ આબુ ખાતે ફરવા ગયેલા રાજકોટના પર્યટકોને એક ગંભીર અકસ્માત નડ્યો છે. માઉન્ટ આબુના આબુરોડ-માઉન્ટ આબુ ઘાટ માર્ગ પર આવેલા શનિ મંદિર નજીક રાજકોટના પ્રવાસીઓને લઈને જઈ રહેલી એક ટેમ્પો ટ્રાવેલર અચાનક બેકાબૂ બની ગઈ હતી. વાહન પરથી ચાલકે કાબૂ ગુમાવતા ટેમ્પો ટ્રાવેલર પ્રથમ રોડ પરના ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાઈ હતી અને ત્યારબાદ માર્ગની બાજુમાં આવેલા ઊંડા ખાડામાં ખાબકી હતી. આ ઘટનાને પગલે ઘાટ માર્ગ પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.


પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટના રહેવાસીઓ પરિવાર અને મિત્રો સાથે માઉન્ટ આબુના પ્રવાસે ગયા હતા. જ્યારે તેમની ટેમ્પો ટ્રાવેલર શનિ મંદિર પાસેના વળાંકવાળા રસ્તા પરથી પસાર થઈ રહી હતી, ત્યારે આ દુર્ઘટના બની હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે વાહનના આગળના ભાગને ભારે નુકસાન પહોંચ્યું હતું. ખાડામાં ખાબક્યા બાદ વાહનમાં સવાર મુસાફરોની ચીસાચીસ સાંભળીને આસપાસથી પસાર થતા અન્ય વાહનચાલકો અને સ્થાનિક રહીશો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ ભારે જહેમત બાદ ખાડામાં પડેલા વાહનમાંથી તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.
આ અકસ્માતમાં ટેમ્પો ટ્રાવેલરમાં સવાર 4થી વધુ લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. ઘટનાની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સ અને સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. તમામ ઈજાગ્રસ્ત પર્યટકોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે નજીકની સરકારી હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા.


હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા મુજબ, હાલ તમામ ઈજાગ્રસ્તોની હાલત સ્થિર અને જોખમથી બહાર હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે.


અકસ્માતને કારણે આબુરોડ-માઉન્ટ આબુ માર્ગ પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. માઉન્ટ આબુ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ટ્રાફિક વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો અને ક્રેનની મદદથી ખાડામાં પડેલી ટેમ્પો ટ્રાવેલરને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. પહાડી રસ્તા પર વળાંક હોવાને કારણે અથવા બ્રેક ફેઈલ થવાને કારણે અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક આશંકા સેવાઈ રહી છે, જે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application