અમદાવાદમાં અષાઢી બીજના પાવન પર્વે યોજાનારી ભગવાન જગન્નાથજીની ૧૪૯મી ઐતિહાસિક રથયાત્રા પૂર્વે આજે પરંપરાગત ‘જળયાત્રા મહોત્સવ’ ભક્તિસભર અને ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થયો હતો. જમાલપુર સ્થિત જગન્નાથ મંદિર દ્વારા આયોજિત આ પરંપરાગત જળયાત્રાને લઈને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ અને હર્ષોલ્લાસ જોવા મળ્યો હતો. લાખો ભક્તોની આસ્થા સાથે જોડાયેલા આ ધાર્મિક ઉત્સવ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તેમજ સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્રનો સંપૂર્ણ સહકાર મળ્યો હતો.
પવિત્ર ગણાતી આ પરંપરા અનુસાર, સાબરમતી નદીમાંથી લાવવામાં આવેલા પવિત્ર જળ દ્વારા ભગવાનનો ભવ્ય જળાભિષેક કરવામાં આવ્યો હતો. આ ધાર્મિક પ્રસંગે મંદિરના મહંત અને અન્ય પૂજનીય સાધુ-સંતોની પ્રેરક ઉપસ્થિતમાં વૈદિક મંત્રોચ્ચાર, વૈષ્ણવ પરંપરાના ભજનો અને શંખનાદ સાથે ભગવાનનો જળાભિષેક કરવામાં આવ્યો હતો. આજે સવારે જમાલપુર જગન્નાથજી મંદિર ખાતેથી વિધિવત પૂજા-અર્ચના કર્યા બાદ આ જળયાત્રાનું પ્રસ્થાન થયું હતું. આ ભવ્ય યાત્રામાં પરંપરાગત બળદગાડા પર ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજીને નગરચર્યા માટે બિરાજિત કરવામાં આવ્યા હતા.
મંદિરથી શરૂ થયેલી આ જળયાત્રામાં શણગારેલા ગજરાજ, ઘોડાગાડીઓ, ધ્વજ-કળશ સાથે કાવડિયા અને વિવિધ અખાડાના કરતબો આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યા હતા. ભગવાનની આ જળયાત્રા પોતાના પરંપરાગત માર્ગ પરથી પસાર થઈને સાબરમતી નદીના કિનારે આવેલા સોમનાથ ભૂદરના આરે પહોંચી હતી. નદી કિનારે પહોંચ્યા બાદ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર અને ગંગા પૂજન સાથે સાબરમતી નદીનું પવિત્ર જળ ૧૦૮ તાંબાના કળશમાં ભરીને વાજતે-ગાજતે મંદિરે પરત લાવવામાં આવ્યું હતું. ત્યારબાદ ભગવાનનો ભવ્ય જળાભિષેક કરાવામાં આવ્યો હતો. જળાભિષેક પછી ભગવાન ભક્તોને વર્ષમાં માત્ર એક જ વાર જોવા મળતા વિશેષ 'ગજવેશ' (ગણેશ સ્વરૂપ)માં દિવ્ય દર્શન આપ્યા હતા.
જળયાત્રાના સમગ્ર રૂટ પર સુરક્ષા વ્યવસ્થા લોખંડી રાખવામાં આવી હતી. કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ૫૦૦થી વધુ પોલીસ જવાનો અને હોમગાર્ડ્સના જવાનોને સમગ્ર માર્ગ પર તૈનાત કરી દેવાયા હતા. રથયાત્રા અને જળયાત્રાના બંદોબસ્તમાં કોઈ પણ પ્રકારની નાની ચૂક ન રહી જાય તે હેતુથી ઉચ્ચ પોલીસ અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ આખા રૂટનું ઝીણવટભર્યું ફુલ-સ્કેલ રિહર્સલ પણ યોજવામાં આવ્યું હતું. ટેકનોલોજીનો ઉપયોગ કરીને સમગ્ર રૂટ પર સીસીટીવી અને ડ્રોન કેમેરાની મદદથી આકાશમાંથી પણ શંકાસ્પદ ગતિવિધિઓ પર તીક્ષ્ણ નજર રાખવામાં આવી હતી.
પોલીસ તંત્ર અને મંદિર ટ્રસ્ટના સંયુક્ત આયોજન હેઠળ, આગામી ૧૬મી જુલાઈએ યોજાનારી ભવ્ય રથયાત્રા પૂર્વેનો આ જળયાત્રા ઉત્સવ એકદમ શાંતિપૂર્ણ, ભયમુક્ત અને શિસ્તબદ્ધ માહોલમાં સંપન્ન થયો હતો. આ જળયાત્રા પૂર્ણ થયા બાદ ભગવાન જગન્નાથજી તેમના મોસાળ સરસપુર ખાતે પહોંચ્યા હતા, જ્યાં ભગવાન ૧૫ દિવસ સુધી રોકાશે અને ત્યારબાદ અષાઢી બીજના દિવસે ભવ્ય નગરચર્યાએ નીકળશે.