રાજકોટ મહાનગરપાલિકા (RMC) માં તાજેતરમાં જ હોદ્દો સંભાળનારા નવનિયુક્ત પદાધિકારીઓની શુભેચ્છા મુલાકાતે આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ (ઇસ્કોન) મંદિર રાજકોટનું એક પ્રતિનિધિમંડળ પહોંચ્યું હતું. આ મુલાકાત માત્ર ઔપચારિક ન રહેતા, આધ્યાત્મિકતા અને પરસ્પર આદરભાવના સુંદર વાતાવરણમાં ફેરવાઈ ગઈ હતી.
ગીતાજ્ઞાન અને મહાપ્રસાદની અનોખી ભેટ
આ મુલાકાતને યાદગાર બનાવવા માટે ઇસ્કોનના આગેવાનો દ્વારા તમામ પદાધિકારીઓને સનાતન સંસ્કૃતિના અમૂલ્ય ગ્રંથ "શ્રીમદ્ ભગવદ્ ગીતા તેના મૂળ રૂપે" ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવી હતી. આ સાથે જ ઠાકોરજીનો પવિત્ર શ્રીકૃષ્ણ મહાપ્રસાદ આપીને તેમનું મોં મીઠું કરાવાયું હતું. પ્રતિનિધિમંડળે તમામ નેતાઓને આગામી સમયમાં ઇસ્કોન મંદિરની મુલાકાત લેવા માટે સ્નેહભર્યું આમંત્રણ પણ આપ્યું હતું.

આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ (ઇસ્કોન) મંદિર રાજકોટના પ્રતિનિધિમંડળે રાજકોટ મહાનગરપાલિકા (RMC)ના નવનિયુક્ત પદાધિકારીઓની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

આ મુલાકાત દરમિયાન મેયર ડૉ. નેહલ શુક્લા, ડેપ્યુટી મેયર શ્રીમતી દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી પરેશભાઈ પિપળીયા, શાસક પક્ષના નેતા ડૉ. હિરેનભાઈ ખિમાણિયા તથા દંડક શ્રી સંજયસિંહ રાણા સાથે સૌહાર્દપૂર્ણ મુલાકાત યોજાઈ હતી.

ઇસ્કોન મંદિર રાજકોટ તેમજ પ્રમુખ શ્રીમાન વૈષ્ણવસેવા પ્રભુજી તરફથી તમામ પદાધિકારીઓને તેમની નવી જવાબદારીઓ માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે તેમને આધ્યાત્મિક જ્ઞાનના અમૂલ્ય ગ્રંથ શ્રીમદ્ ભગવદ્ ગીતા તેના મૂળ રૂપે તેમજ શ્રીકૃષ્ણ મહાપ્રસાદ અર્પણ કરવામાં આવ્યા હતા. સાથે જ ઇસ્કોન રાજકોટ મંદિર પધારવા માટે સ્નેહભર્યું આમંત્રણ પણ આપવામાં આવ્યું હતું.

ઇસ્કોન રાજકોટના પ્રમુખ વૈષ્ણવસેવા પ્રભુજીએ આશા વ્યક્ત કરી હતી કે નવનિયુક્ત પદાધિકારીઓના નેતૃત્વ હેઠળ રાજકોટ શહેર વિકાસ, સુશાસન અને જનકલ્યાણના નવા આયામો સર કરશે. ભગવાન શ્રીકૃષ્ણ તેમને નાગરિકોની સેવા માટે સદબુદ્ધિ, શક્તિ અને આધ્યાત્મિક પ્રેરણા પ્રદાન કરે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.