BREAKING NEWS

ભાદરવી પૂનમે અંબાજી મંદિરમાં બાવન ગજની ધજા નહીં ચઢાવી શકાયઃ ટ્રસ્ટનો નિર્ણય યથાવત

  • September 09, 2026 02:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મા અંબાના પવિત્ર ધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો આગામી 20 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર 2026 સુધી યોજાનાર છે. વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. આ સાત દિવસીય મેળામાં ગુજરાત જ નહીં પરંતુ દેશ-વિદેશથી લાખોની સંખ્યામાં માઈભક્તો અંબાજી માતાના દર્શનાર્થે પદયાત્રા કરીને આવે છે. આ મેળાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. મા અંબાના ભક્તો માટે મંદિર ટ્રસ્ટ તરફથી એક નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. મા અંબાના મંદિરના શીખર પર ચઢાવવામાં આવતી 52 ગજની ધજા હવે ચઢાવી શકાય નહીં.

અંબાજી મંદિરમાં અગાઉ લેવાયેલો મહત્વનો નિર્ણય આગામી ભાદરવી પૂનમ મહામેળામાં પણ સંપૂર્ણપણે યથાવત રાખવામાં આવશે. જેથી શ્રદ્ધાળુઓ નિયમોનું પાલન કરીને સહયોગ આપે તેવી અપીલ કરવામાં આવી છે. ધજા દંડ અને યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ દ્વારા પાંચ મીટરથી મોટી ધજા મંદિરના શિખર પર ચડાવવા પર પ્રતિબંધ યથાવત રાખ્યો છે, અને માનતા મુજબ મોટી ધજા લાવનાર યાત્રિકોની ધજા સીધી માતાજીના ચરણોમાં અર્પણ કરવામાં આવશે. મંદિર ટ્રસ્ટ દ્વારા યાત્રિકોને પાંચ મીટરથી મોટી ધજા શિખર માટે ન લાવવા અનુરોધ કરાયો છે તેમજ શ્રદ્ધાની ધજાનું સન્માન જાળવી તેની પવિત્રતા સુરક્ષિત રહે તથા ધજા જમીન પર ન ઢસડાય તેનું વિશેષ ધ્યાન રાખવા તાકીદ કરાઈ છે.

આગામી ભાદરવી પૂનમ મહામેળામાં પદયાત્રીઓની સેવા માટે રસ્તામાં અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પોનું આયોજન કરવામાં આવે છે. અંબાજી મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે મેળા દરમિયાન જે સંસ્થાઓ, ટ્રસ્ટો કે મંડળોએ સેવા કેમ્પ યોજવા હોય તેમણે ફરજિયાતપણે ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે. આ માટે અંબાજી મંદિર ટ્રસ્ટની સત્તાવાર વેબસાઈટ ખાસ ઓનલાઈન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. 

ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આયોજકોએ રજિસ્ટ્રેશન ફોર્મ તેમજ ફાયર સેફ્ટીનું સ્વ બાંહેધરી પત્રક પ્રિન્ટ કરીને એસડીએમ કચેરી, દાંતા ખાતે સમયસર જમા કરાવવાનું રહેશે. ત્યારબાદ એસડીએમ કચેરી દ્વારા સેવા કેમ્પના પ્રસ્તાવિત સ્થળ અને રજૂ કરાયેલા દસ્તાવેજોની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવશે. તમામ નિયમો અને શરતોનું યોગ્ય પાલન કરનાર અધિકૃત સેવા કેમ્પોને જ તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application