BREAKING NEWS

'મા ખોડલ'ના જયકાર સાથે પ્રથમ નોરતે કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધી યોજાઈ પદયાત્રા, મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા

  • October 11, 2026 02:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખોડલધામ ટ્રસ્ટ-કાગવડની દર વર્ષની પરંપરા મુજબ આસો નવરાત્રિના પ્રથમ દિવસે 11 ઓક્ટોબર ને રવિવારના રોજ કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધીની પદયાત્રા યોજાઈ હતી. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના આગેવાનીમાં કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધી યોજાયેલી આ પદયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. પ્રથમ નોરતે પદયાત્રા, મહાઆરતી, ધ્વજારોહણ, યજ્ઞ થકી મા ખોડલના પોંખણાં કરી નવરાત્રિનો શુભારંભ કર્યો હતો.

પ્રથમ નોરતે યોજાયેલી પદયાત્રામાં જોડાવવા વહેલી સવારથી જ કાગવડ ગામે શ્રદ્ધાળુઓ પહોંચી ગયા હતા. કાગવડ ગામે ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલનું કાગવડ ગામવાસીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મા ખોડલની આરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ નરેશભાઈ પટેલે કાગવડ ગામ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ કાગવડ ગામથી 9 વાગ્યે પદયાત્રાની શરૂઆત થઈ હતી. પદયાત્રામાં મા ખોડલના રથની આગેવાનીમાં ડી.જે.ના તાલે ગરબા રમતાં રમતાં મા ખોડલના જય જયકાર સાથે શ્રદ્ધાળુઓ કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધી પહોંચ્યા હતા.


પદયાત્રા મંદિરના પટાંગણમાં પહોંચ્યા બાદ મા ખોડલના ચરણોમાં શીશ ઝુકાવીને ભાવિકોએ આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ ખોડલધામ મંદિરના શિખર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. દર વર્ષની માફક આ વર્ષે પણ યજ્ઞશાળામાં યજ્ઞ કરવામાં આવ્યો હતો. 


આ પદયાત્રામાં ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ટ્રસ્ટીઓ, સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન-રાજકોટના ટ્રસ્ટીઓ, શ્રી લેઉવા પટેલ સમાજ અતિથિ ભવન વેરાવળ-સોમનાથના ટ્રસ્ટીઓ, રાજકીય-સામાજિક આગેવાનો, ખોડલધામના ઝોન, જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કન્વીનરો, ખોડલધામ મહિલા સમિતિ, ખોડલધામ યુવા સમિતિ, ખોડલધામ મીડિયા સમિતિ, ખોડલધામ લિગલ સમિતિ, ખોડલધામ શિક્ષણ પાંખ, ખોડલધામ નવરાત્રિ મહોત્સવની ટીમના સભ્યો,અન્ય વિવિધ સમિતિઓ, રાજકોટના તમામ સરદાર પટેલ સોશિયલ ગ્રુપના સભ્યો, અટકથી ચાલતા લેઉવા પટેલ સમાજના પરિવારના સભ્યો, સમાજની સંસ્થાઓના સભ્યો અને સમાજના ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા.


પદયાત્રામાં જોડાયેલા શ્રદ્ધાળુઓ માટે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારાફરાળ અને અલ્પાહારની વ્યવસ્થા કરાઈ હતી. પદયાત્રાના માર્ગ પર ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સ્વયંસેવકોની ટીમ પણ ખડેપગે રહી હતી અને પાણી અને ઠંડા પીણા સહિતની વ્યવસ્થા સારી રીતે સંભાળી હતી.

નવરાત્રિ દરમિયાન દરરોજ ખોડલધામ મંદિરે યજ્ઞશાળામાં હવન કરવામાં આવશે અને મા ખોડલને રોજ અવનવા શણગાર અને ધ્વજારોહણ કરી ભક્તો મા ખોડલની આરાધના કરશે. નવરાત્રિ હોવાથી મંદિર પરિસરને શણગારી દેવામાં આવ્યું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application