BREAKING NEWS

સુરતમાં ડો. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસ: પોલીસે ભાવનગરની બે મહિલા ડોક્ટરની કરી ધરપકડ, અન્ય બેની શોધખોળ ચાલુ

  • October 11, 2026 01:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી ન્યૂ પી.જી. હોસ્ટેલમાં બનવા પામેલા ચકચારી ડો. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ખટોદરા પોલીસે આ મામલે સઘન તપાસ હાથ ધરીને બે મહિલા તબીબની અટકાયત કરી છે. જેમાં ભાવનગરની ૨૫ વર્ષીય દિક્ષીતા ઘેવરીયા અને રાજુલાની ૨૭ વર્ષીય હિના ભૂતની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે તબીબી આરોપીઓ હજુ સુધી ફરાર હોવાથી પોલીસે તેમની શોધખોળ માટેના ચક્રો ગતિમાન કર્યા છે.


બનાવની વિગતો આપતા એસીપી (ACP) ઝેડ.આર. દેસાઈએ જણાવ્યું હતું કે, સુરત સિવિલ હોસ્પિટલ કેમ્પસની હોસ્ટેલમાં ગત ૮ ઓગસ્ટની મધ્યરાત્રિએ રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ ગંભીર ઘટના બાદ રચાયેલી ફેક્ટ-ફાઈન્ડિંગ કમિટી અને મેડિકલ કમિટીના પ્રાથમિક તપાસ રિપોર્ટમાં મૃતક સાથે સખત રેગિંગ થયું હોવાની ચોંકાવનારી બાબતો સામે આવી હતી. કમિટીના આ અહેવાલના આધારે મૃતક ડોક્ટરના પિતાએ ૧૫ ઓગસ્ટના રોજ સંબંધિતો સામે એટ્રોસિટી અને આત્મહત્યાની દુષ્પ્રેરણા અંગેનો કાયદેસરનો ગુનો નોંધાવ્યો હતો.


પોલીસે ગુનો નોંધીને હાથ ધરેલી ઊંડાણપૂર્વકની તપાસ દરમિયાન કેસમાં સંડોવાયેલા કુલ ચાર મુખ્ય આરોપીઓમાંથી બે મહિલા આરોપીઓ દિક્ષિતા ઘેવરિયા અને હીના ભૂતની અટકાયત કરી છે. રેગિંગ કમિટીના અહેવાલ અને તપાસના નિષ્કર્ષ મુજબ, આ બંને મહિલા તબીબોનો મૃતક ડો. હર્ષ પંડ્યાને શારીરિક તથા માનસિક ત્રાસ આપવામાં અને આત્મહત્યા માટે મજબૂર કરવામાં સક્રિય અને મુખ્ય ભાગ રહ્યો હતો. ધરપકડ કરાયેલી બંને આરોપીઓને નિયમ મુજબ કાયદાકીય સમયમર્યાદામાં અદાલત સમક્ષ રજૂ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.


આ પ્રકરણમાં પોલીસ દ્વારા મજબૂત પુરાવાઓ એકત્ર કરવામાં આવ્યા છે. જેમાં મુખ્યત્વે બે પ્રકારના પુરાવા તપાસમાં સામેલ કરાયા છે—એક રેગિંગ કમિટીનો પ્રાથમિક તપાસ અહેવાલ અને બીજું અન્ય સાથી તબીબો પાસેથી મેળવવામાં આવેલી વોટ્સએપ ચેટ્સ તથા ડિજિટલ કમ્યુનિકેશન, જેનાથી મૃતક તબીબ પર થતા માનસિક દબાણ અને તકલીફો સ્પષ્ટ થાય છે. નોંધનીય છે કે મૃતક ડો. હર્ષ પંડ્યાનું એડમિશન માર્ચ-એપ્રિલ મહિનામાં થયું હોવાથી, તેમને છેલ્લા ત્રણથી ચાર મહિનાથી સતત માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવી રહ્યો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સાબિત થયું છે.


બીજી તરફ, આ ચકચારી કેસમાં સામેલ અન્ય બે આરોપી તબીબો અનુજ મહેશ્વરી અને નિરાલી વસાવે હજુ સુધી પોલીસ પકડથી દૂર છે. આ બંને આરોપીઓ અગાઉ આગોતરા જામીન અને ક્વોશિંગ પિટિશન જેવી કાયદાકીય પ્રક્રિયાનો સહારા લઈ રહ્યા હતા અને ધરપકડથી બચવા માટે પોતાના મિત્રો તથા સગા-સંબંધીઓના ઘરે આશરો લઈને છુપાતા ફરી રહ્યા છે. ખટોદરા પોલીસની વિશેષ ટીમો બનાવીને આ બંને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે જુદી જુદી દિશાઓમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application