જામનગરનાં ઢીચડા રોડ સેનાનગર પાસે એલસીબીની ટુકડીએ એક શખ્સને ઇંગ્લીશ દારૂની ૭૦ બોટલ સાથે પકડી લીધો હતો જયારે મેઘપર પોલીસે દારૂની ૪ બોટલ સાથે જામનગરનો શખ્સને પકડી લીધો હતો. આ ઉપરાંત જડેશ્ર્વર ચોકડી, દરબારગઢ સર્કલ, નીલકમલ સોસાયટી વિસ્તારમાં દારૂની બોટલ સાથે શખ્સો ઝપટમાં આવ્યા હતા.
એલસીબીનાં મયુદીનભાઇ, ભરતભાઇ, અને ધર્મેન્દ્રસિંહને બાતમી મળેલ કે ઢીચડા રોડ સેનાનગર પાસે રહેતા જ્ઞાનેન્દ્રસિંહ જગદીશસિંહ રાજપૂત નામના શખ્સના કબજામાં ઇંગ્લીશ દારૂનો જથ્થો છે જેના આધારે દરોડો પાડીને ઇંગ્લીશ દારૂની નાની મોટી ૭૦ બોટલ, એક મોબાઇલ મળી કુલ ૨૧૯૦૦ના મુદામાલ સાથે આ દારૂનો જથ્થો પોતે દિલ્હીથી લઇ આવ્યાનું જણાવ્યું હતું.
આ ઉપરાંત જામનગરમાં મારૂતિનગરમાં રહેતા મોસીન ગુલાબ કુરેશીને ઇંગ્લીશ દારૂની ૪ બોટલ સાથે મેઘપર પોલીસે પકડી લીધો હતો. તેમજ પટેલ પાર્કમાં રહેતા મેહુલ જયંતિલાલ લાઠીયાને દારૂની એક બોટલ સાથે જડેશ્ર્વર ચોકડી પાસેથી તથા આશીર્વાદ દીપ ર ખાતે રહેતા યશ પરેશ ઝાલાને ઇંગ્લીશ દારૂના એક ચપટા સાથે દરબારગઢ સર્કલ પાસેથી તેમજ નીલકમલ સોસાયટીમાં રહેતા શકિતસિંહ ઉર્ફે જીગી અજીતસિંહ કંચવાને ઇંગ્લીશ દારૂની ૨૪ બોટલ સાથે મકાનેથી પકડી લેવાયો હતો.