BREAKING NEWS

અધધ...20 હજારની કંકોત્રી, કાવ્યા મારનના થશે રોયલ મેરેજ, જાણો કયા અને ક્યારે લગ્ન થશે

  • November 03, 2026 04:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશમાં આગામી દિવસોમાં એક અત્યંત ચર્ચિત અને હાઈ-પ્રોફાઈલ લગ્ન યોજાવા જઈ રહ્યા છે. આઈપીએલ (IPL) ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ (કાવ્યા મારન) ની સીઈઓ અને સન ગ્રૂપના માલિક કલાનિધિ મારનની પુત્રી કાવ્યા મારન ૧૧ નવેમ્બરે ગ્રીસના મનોરમ્ય લોકેશન પર લગ્નગ્રંથિથી જોડાશે. દેશની સૌથી સફળ અને લોકપ્રિય યુવા બિઝનેસવુમેનમાં સ્થાન ધરાવતી કાવ્યા મારનના આ ડેસ્ટિનેશન વેડિંગને લઈને ફેન્સ અને મીડિયામાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.


લગ્નના રોયલ કાર્ડ્સ વહેંચવાની પ્રક્રિયા પૂરજોશમાં 

આ હાઈ-પ્રોફાઈલ લગ્ન માટે લગ્નના રોયલ કાર્ડ્સ વહેંચવાની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે. માહિતી મુજબ, એક કાર્ડની કિંમત આશરે ૨૦ હજાર રૂપિયા જેટલી છે. કાવ્યાના પિતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશના અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ, અગ્રણી રાજનેતાઓ, દેશના ટોચના ઉદ્યોગપતિઓ, પ્રખ્યાત ફિલ્મ કલાકારો અને ક્રિકેટરોને આ લગ્ન અને ચેન્નઈ ખાતે યોજાનારા ભવ્ય રિસેપ્શનમાં હાજરી આપવા ખાસ નિમંત્રણ પાઠવ્યું છે.


કાવ્યા મારન લગ્ન કોની સાથે થશે?

કાવ્યા મારનના લગ્ન દક્ષિણ ભારતીય સિનેમાના સુપરહિટ અને સૌથી મોંઘા સંગીતકારોમાં ગણાતા અનિરુદ્ધ રવિચંદર સાથે થઈ રહ્યા છે. ચાર્ટબસ્ટર ગીત 'કોલાવેરી ડી' થી દેશભરમાં જાણીતા થયેલા અનિરુદ્ધે સાઉથની અનેક બ્લોકબસ્ટર ફિલ્મો અને બોલિવૂડની 'જવાન' જેવી હિટ ફિલ્મોમાં આકર્ષક સંગીત આપ્યું છે. કાવ્યા મારનના પિતા કલાનિધિ મારન મીડિયા ક્ષેત્રના દિગ્ગજ ઉદ્યોગપતિ છે, જ્યારે બીજી તરફ અનિરુદ્ધનો પરિવાર પણ સિનેમા અને કળા જગત સાથે ઊંડા મૂળ ધરાવે છે. આ સ્થિતિમાં કોર્પોરેટ અને ગ્લેમર ઈન્ડસ્ટ્રીની આ જોડીનો દબદબો સ્પષ્ટપણે જોવા મળશે.


વીઆઈપી ડેસ્ટિનેશન વેડિંગ 

ગ્રીસને આખી દુનિયામાં તેની પ્રાકૃતિક સુંદરતા, સફેદ ઇમારતો, મનોરમ્ય સૂર્યાસ્ત અને આકર્ષક દરિયાકિનારા માટે ઓળખવામાં આવે છે, જે વીઆઈપી ડેસ્ટિનેશન વેડિંગ માટે આદર્શ માનવામાં આવે છે. કાવ્યા મારન પોતાની સાદગી અને સ્ટેડિયમમાં મેચ દરમિયાન ટીમને ઉત્સાહપૂર્વક ચીયર કરતી અદાઓને કારણે અવારનવાર સોશિયલ મીડિયા પર વાઇરલ થતી રહે છે. તેથી જ તેમના લગ્નની સત્તાવાર જાહેરાત અને તૈયારીઓને લઈને તેમના ફેન્સ સોશિયલ મીડિયા પર ખુશી વ્યક્ત કરી રહ્યા છે.


કાવ્યા મારનની કંપનીની માર્કેટ વેલ્યુ ૨૫,૦૦૦ કરોડ રૂપિયા

આર્થિક ક્ષેત્રે પણ આ બંનેનું બેકગ્રાઉન્ડ અત્યંત મજબૂત છે. કાવ્યા મારન આશરે ૨૫,૦૦૦ કરોડ રૂપિયાની માર્કેટ વેલ્યુ ધરાવતા 'SUN TV' ગ્રૂપની ઉત્તરાધિકારી છે તેમજ ૧૮,૦૦૦ કરોડ રૂપિયાથી વધુ વેલ્યુ ધરાવતી સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમની માલિકી ધરાવે છે, જ્યારે તેમની પોતાની અંગત નેટવર્થ ૪૦૯ કરોડ રૂપિયા આંકવામાં આવે છે. કાવ્યાએ ન્યૂયોર્ક યુનિવર્સિટીની લિયોનાર્ડ એન સ્ટર્ન સ્કૂલ ઑફ બિઝનેસમાંથી MBA કર્યું છે. બીજી તરફ, ભારતીય સિનેમામાં પ્રતિ પ્રોજેક્ટ ૮ થી ૧૦ કરોડ રૂપિયા ચાર્જ કરતા અનિરુદ્ધ રવિચંદરની કુલ સંપત્તિ આશરે ૫૦ કરોડ રૂપિયા છે અને તે કેટલાક સફળ સ્ટાર્ટઅપ્સમાં કો-ફાઉન્ડર તેમજ બ્રાન્ડ એમ્બેસેડર પણ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application