રાજકોટ શહેરમાં ૩૭ વર્ષીય પરિણીતા તરુણાબેન ભીમાણીએ પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. આ ઘટના બાદ મૃતક મહિલાના પરિવારજનોએ સાસરિયા પક્ષ સામે ગંભીર આક્ષેપો કર્યા છે અને દાવો કર્યો છે કે સાસરિયાઓના શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને જ તેમને આ અંતિમ પગલું ભરવું પડ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મૃતક તરુણાબેનનાં લગ્ન આજથી ૧૭ વર્ષ અગાઉ થયાં હતાં. તેમના પતિ બેચરભાઈ ભીમાણી કિચનવેરનું કારખાનું ચલાવે છે. પરિણીતાનાં માતા મોટી ઉંમરના છે અને પિતાનું વર્ષો પહેલાં અવસાન થઈ ચૂક્યું છે, જેના કારણે સાસુ-સસરા અને નણંદ ચંદુબેન સહિતના સભ્યો અવારનવાર તેમને ત્રાસ આપતા હતા. પરિવારજનોએ એવો પણ આરોપ લગાવ્યો છે કે પતિને અન્ય યુવતી સાથે સંબંધ હોવાના કારણે પણ તરુણાબેનને શારીરિક અને માનસિક રીતે સતત હેરાનગતિ કરવામાં આવતી હતી.
પરિવારજનો દ્વારા સાસરિયાઓ સામે એવા પણ ગંભીર આક્ષેપો કરાયા છે કે પરિણીતાએ આપઘાત કર્યા બાદ તાત્કાલિક પોલીસને જાણ કરવાના બદલે પતિ તેમને ગિરિરાજ હોસ્પિટલ લઈ ગયા હતા. એટલું જ નહીં, મૃતકનાં નણંદ ઘટનાસ્થળેથી કથિત રીતે સ્યુસાઇડ નોટ પણ લઈને જતા રહ્યા હોવાનો આક્ષેપ પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે. આ દુર્ઘટનાને કારણે ૧૩ વર્ષની પુત્રી તુલસી અને ૯ વર્ષનો પુત્ર હેપીલ માની છત્રછાયા ગુમાવીને નોધારા બન્યા છે. મૃતકનાં માવતર રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના બોડીઘોડી ગામે રહે છે.
આ સમગ્ર ઘટના અંગે મૃતકનાં કૌટુંબિક ભાઈઓ અને સ્વજનોએ પોલીસ પ્રશાસન સમક્ષ ઉગ્ર માંગ કરી છે કે આ મામલે તટસ્થ તપાસ કરવામાં આવે. પરિણીતાને આત્મહત્યા કરવા માટે મજબૂર કરનાર સાસરિયાઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરીને પીડિત પરિવારને ન્યાય આપવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે. પોલીસે આ મામલે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.